રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગનો માસ્ટરમાઇન્ડ શુભમ લોનકર હોવાનો ખુલાસો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2026: બોલિવૂડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખાન અને કપિલ શર્મા બાદ હવે જાણીતા ડાયરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટીને નિશાન બનાવવામાં આવ્યા છે. જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીના નિવાસસ્થાને થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ હુમલાનો માસ્ટરમાઇન્ડ વોન્ટેડ ગેંગસ્ટર શુભમ લોનકર છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, શુભમ લોનકરે જ આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે અને શૂટરોને હથિયાર તેમજ અન્ય મદદ પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં પણ શુભમ લોનકરનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું. હાલ તે પોલીસની પકડથી દૂર છે અને તેને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચે 12 અલગ-અલગ ટીમો બનાવી છે.
આ ઘટના રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નવ માળના બિલ્ડિંગના પહેલા માળે બની હતી. રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી બિલ્ડિંગમાં આવેલા જીમના કાચમાં વાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની ગંભીરતાને જોતા કેસ મુંબઈ પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે રોહિત શેટ્ટીનું સત્તાવાર નિવેદન નોંધ્યું છે અને તેમના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરોના ચહેરા સ્પષ્ટ દેખાયા છે, જેના આધારે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા બાદ રોહિત શેટ્ટીએ સાવચેતીના ભાગરૂપે પોતાના નજીકના મિત્રો અને સંબંધીઓને હાલ ઘરે ન આવવા માટે જણાવ્યું છે. ડાયરેક્ટરના એક નજીકના મિત્રએ જણાવ્યું કે, રોહિત હાલ પોલીસને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને તપાસ ચાલુ હોવાથી તેમણે સુરક્ષાના કારણોસર મુલાકાતીઓને અટકાવ્યા છે.
આ પણ વાંચોઃ ગ્રેમી એવોર્ડ્સમાં દલાઈ લામાનો દબદબો: મેડિટેશન્સ માટે જીત્યો પ્રથમ ગ્રેમી


