Site icon Revoi.in

જુનાગઢના ગિરનારની તળેટીમાં 65 કિમીની ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા સ્થગિત કરાઈ

Social Share

જૂનાગઢઃ સોરઠ પંથકમાં ફાગણના વાયરા ફુંકાય રહ્યા છે. આજે સવારથી ગિરનારી તળેટી વિસ્તારમાં ભારે પવન ફુકાય રહ્યો છે. 65 કિમીની ઝડપે પવન ફુંકાતા વહેલી સવારથી રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પ્રવાસીઓની સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે બંધ કરાતા અનેક શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો સાથે આવેલા પરિવારો વધુ પ્રભાવિત થયા છે. કેટલાક શ્રદ્ધાળુઓએ પગપાળા ગિરનાર ચઢવાનો માર્ગ પસંદ કર્યો હતો. જ્યારે કેટલાક લોકો રોપ-વે સેવા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

ગિરનાર તળેટીથી ગિરનાર પર્વત પર જવા માટે રોપવેની સુવિધા છે. રોપવે સેવા શરૂ થઈ નહોતી ત્યારે યાત્રાળુઓ ગિરનારના પગથિયા ચડીને અંબાજી અને દત્તાત્રેય ટુક સુધી જતા હતા. રો-વે સેવા શરૂ થતાં યાત્રાળુઓને મોટી રાહત મળી છે. ગિરનારની યાત્રાએ માત્ર ગુજરાતના જ નહીં પણ પરપ્રાંતના પણ મોટાભાગના યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. અને રોપ-વે સેવાનો લાભ લેતા હોય છે. આજે સવારથી ભારે પવન ફુંકાતા યાત્રાળુઓની સલામતી માટે રોપ-વે સેવા સ્થગિત કરવામાં આવી છે. પવનનું જોર ઘટતા જ ફરી રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.

ગિરનાર અને આસપાસના ગાઢ જંગલોને કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે. આ અગાઉ પણ ભારે પવન અને વરસાદના કારણે અનેક વખત રોપ-વે સેવા બંધ રાખવી પડી છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પવનની ગતિ ધીમી પડ્યા બાદ જ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. જો કે, સેવા ક્યારે પુનઃ શરૂ થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી.