Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે 589 ખેડૂતોને રૂ. 2.46 કરોડની સહાય ચૂકવાઈ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં સારી માંગ રહેતી હોવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 589  ખેડૂત લાભાર્થીઓને રૂ. 2,46,66,820ની સહાય ચૂકવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમ પાકનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ 2023-24માં  જ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1,794 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર અને 18,119 મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થયું હતું, તેમ તેમણે ઉમેર્યું હતું.

સહાયના ધોરણ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દાડમના રોપાની કિંમત સંકલિત જીવાત નિયંત્રણ તથા સંકલિત પોષણ વ્યવસ્થાપનના પ્રતિ હેક્ટર રૂ. 71,640ના ખર્ચને ધ્યાનમાં રાખીને સામાન્ય જાતિના ખેડૂતો માટે ખર્ચના 55 ટકા મુજબ મહત્તમ રૂ. 39,402 ચૂકવાય છે.

આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 53,730 તથા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના 65 ટકા મુજબ મહત્તમ રૂ. 46,566 પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ચાર હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વાર સહાય આપવામાં આવે છે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.