- NRI પરિવાર પેલેડીયમ મોલમાં ખરીદી કરવા ગયો અને કારમાં ચોરી થઈ
- અમેરિકા રહેતો પરિવાર લગ્નમાં અમદાવાદ આવ્યો હતો
- પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એસજી હાઇવે પર પેલેડિયમ મોલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને 9.20 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. અમેરિકા રહેતા એનઆરઆઈ પરિવાર લગ્ન પ્રસંગને લીધે અમદાવાદ આવ્યુ હતું. અને કાર પાર્ક કરીને ખરીદી કરવા જતા ચોરીનો બનાવ બન્યો હતો. કારનો ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને ચોરે રોકડ, મોંઘી જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિત કુલ રૂપિયા 9,20,000ની મત્તાની ચોરી કરી હતી. મનિષાબેન પટેલ મૂળ દક્ષિણ અમેરિકાના મિસિસિપીના વતની છે અને તેઓ તેમના ભત્રીજાના લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ત્યારે માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં આ ચોરીનો બનાવ બન્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, એસજી હાઈવે પર પેલેડિયન મોલ નજીક રવિવારે રાત્રિના 8.15થી 8.30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. 56 વર્ષીય ફરિયાદી મનિષાબેન પટેલ તેમના બહેનપણી હિતેશ્વરીબેન, રાજેન્દ્રભાઈ અને દર્પીબેન સાથે જમ્યા બાદ પેલેડીયમ મોલ ખાતે ખરીદી કરવા ગયા હતા. રાજેન્દ્રભાઈએ તેમની ક્રેટા કારને મોની થાઈ સ્પા સામે સર્વિસ રોડની બાજુમાં પાર્ક કરી હતી અને તેઓ પાન ખાવા ગયા હતા. જ્યારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ મનિષાબેન અને હિતેશ્વરીબેન મોલમાંથી પાછા ફર્યા અને ગાડીનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદર કાચના ટુકડા પડેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતાં માલૂમ પડ્યું કે કારના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો અને પાછળની સીટ પાસે મૂકેલી વિક્ટોરીયા સીક્રેટ કંપનીની કાળા રંગની બેગ ગાયબ હતી. તાત્કાલિક દર્પીબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરો કિંમતી વસ્તુઓ ભરેલી બેગની ચોરી કરીને ફરાર થયા હતા. બેગમાં 3,00,000 રૂપિયા રોકડા, ડાયમંડની ચેઇન ( અંદાજિત કિંમત રૂ. 2,50,000), બે નંગ ડાયમંડની બુટ્ટી (અંદાજિત કિંમત રૂ. 1,00,000), અને બે નંગ ડાયમંડની રીંગ (અંદાજિત કિંમત રૂ. 70,000) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, બે મોંઘા આઇફોન પણ ચોરાયા હતા, જેમાં રૂપિયા 1,20,000ની કિંમતનો આઇફોન 17 પ્રો અને રૂપિયા 70,000ની કિંમતનો આઇફોન 16 પ્રો મેક્સ સામેલ છે. ઉપરાંત રૂપિયા 10,000ના પ્રાડા કંપનીના ચશ્માની પણ ચોરી થઈ હતી. પોલીસે કાર પાર્ક કરેલી હતી તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

