Site icon Revoi.in

ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેકટરોની હડતાળ, અરજદારો પરેશાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેકરો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે હડતાળ પર ઉતરતા આરટીઓ કચેરીમાં અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવીને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આરટીઓ કર્મચારીઓ કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે. આવતી કાલે પણ આરટીઓ અધિકારીઓ માસ સી એલ પર જાય તો અરજદારોને વધુ મુશ્કેલીઓ પડી શકે છે.

ગુજરાતમાં આરટીઓના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં લડતનો પ્રારંભ કરાયો છે. આરટીઓ અધિકારીઓ આજે સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા છે. અને કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ કર્યો હતો. જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે. આરટીઓ ઈન્સ્પેકટરની હડતાળથી બેખબર અરજદારો સવારથી આરટીઓ કચેરી પહોંચી લાઈનો લગાવી દીધી હતી. જોકે આરટીઓ કચેરીએ પહોંચ્યા બાદ હડતાલ અંગેની જાણ થતા અરજદારોએ નારાજગી વ્યક્ત કરી હતી.  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર એપોઈન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારો કામગીરી ન થતા અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ નો લોગીન ડે ના કારણે આજે જે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા. પરંતુ આરટીઓ કચેરીમાં પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. લોગીન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ હડતાલની જાણ થતાં રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરા આરટીઓ કચેરી ખાતે પણ નો લૉગિન ડે ને લઈ કામગીરી ન કરી વિરોધ આરટીઓ ઈન્સ્પેકટરોએ નોંધાવ્યો હતો. આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને આરટીઓ અધિકારી સહિત કુલ 30 અધિકારીઓ નો લૉગિન ડે માં સમર્થન કરતા અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવતી કાલે પણ આ અધિકારીઓ માસ સી એલ પર જાય તો અરજદારોને વધુ મુશ્કેલીઓ પડી શકે છે.