મોસ્કો, 19 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે રશિયન સશસ્ત્ર દળોના એક વરિષ્ઠ અધિકારી અને અખમત સ્પેશિયલ ફોર્સના કમાન્ડરે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના મતે, આ સંઘર્ષનું પરિણામ એ આવી શકે છે કે એક દેશ તરીકે ઇઝરાયેલનું અસ્તિત્વ જ જોખમાઈ જાય. આ સાથે જ અમેરિકા અને ઈરાન વચ્ચે પણ રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
રશિયન સશસ્ત્ર દળોના મુખ્ય સૈન્ય-રાજકીય વિભાગના ઉપ-પ્રમુખ અને અખમત સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આપ્ટી અલાઉદિનોવે TASS સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધ હજી વધુ વણસી શકે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ઇઝરાયેલ આ ટકરાવને વધારીને અમેરિકા અને સમગ્ર નાટો જૂથને તેમાં સામેલ કરવા માંગે છે. જનરલ અલાઉદિનોવે તર્ક આપ્યો છે કે, સંઘર્ષની આ સ્થિતિ આખરે ઇઝરાયેલની પોતાની વિરુદ્ધ જઈ શકે છે અને એક રાષ્ટ્ર તરીકે તેનું અસ્તિત્વ નષ્ટ થઈ શકે છે.
- અમારિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ
બીજી બાજુ, અલ જઝીરાના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની વાટાઘાટો કરનાર ટીમને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે, જ્યાં સુધી તેહરાન કોઈ યોગ્ય સમજૂતી કરવા માટે તૈયાર ન થાય, ત્યાં સુધી ઈરાન સાથેની તમામ વાતચીત પર રોક લગાવી દેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું છે કે અગાઉ સકારાત્મક વાતો ચાલી રહી હતી, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પરિસ્થિતિની ગંભીરતાને જોઈને આગળ વધતા પહેલા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે ઈરાન સાથે હાલમાં કોઈ ચર્ચા કે યોજના નથી અને નૌકાદળની નાકાબંધી કડકપણે લાગુ છે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી અને ચાલુ છે.
-
ઈરાનનો પ્રત્યુત્તર
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફે વોશિંગ્ટનના વલણની આકરી ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકા એવા ભ્રમમાં જીવી રહ્યું છે કે આર્થિક કે સૈન્ય દબાણ વધારવાથી ઈરાન ઝૂકી જશે અને નવા છૂટછાટો આપવા મજબૂર બનશે. ઈરાની નેતૃત્વએ અમેરિકી પ્રશાસનને ચેતવણી આપી છે કે તેઓ જાતે ઊભી કરેલી સમસ્યાઓની જવાબદારી સ્વીકારે અને પરિસ્થિતિને સુધારવા માટે ગંભીર પગલાં ભરે.


