એસ જયશંકર નર્મદાની મુલાકાતે, ITIના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો
અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર નર્મદાના એકતાનગર ગયા હતા. અહીં તેમણે આઈટીઆઈની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓની વચ્ચે બેંચ ઉપર બેસીને શિક્ષક દ્વારા અપાતા શિક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિક્ષક પણ હાંફળાફાંફળા બની ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો તેમજ કેટલીક જરુરી સૂચન પણ કર્યું હતું.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર હવાઈ માર્ગે સવારે વડોદરા આવી પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ વાહન માર્ગે નર્મદા ગયા હતા. એકતાનગર પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ આઈટીઆઈની મુલાકાત લીધી હતી. તેમજ બેંચ ઉપર બેસીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા અભ્યાનનું નીરિક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થા શિક્ષકો અને કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આઈટીઆઈના એક ક્લાસરૂમમાં શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હતા તે સમયે જ તેઓ ક્લાસરૂમ પહોંચ્યાં હતા. તેમજ શિક્ષકને શિક્ષણ કાર્ય ચાલુ રાખવા સુચન કર્યું હતું.
વિદેશમંત્રીશ્રી ડૉ. એસ. જયશંકારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેના આમદલા ગામે એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ બાળકોને આપવામાં આવતા નાસ્તો અને બાળકોને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં આયુષ્યમાન ભારત હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આત્મકાર્ડના લાભાર્થીને કાર્ડ વિતરણ કર્યું હતું. સાથે સાથે ગ્રામજનો સાથે સીધો વાર્તાલાપ કરીને ગામમાં ખૂટતી કડીઓ અંગે માહિતી મેળવી હતી. મહિલાઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો. વ્યાધર ગામમાં કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓ સાથે તસવીર ખેંચાવી હળવાશની પળોમાં બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો.
જાપાન સહિતના 3 દેશના પ્રવાસ અંગે વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કૂટનીતિ અને રાજનીતિ પર વાત થાય પણ લોકો ભારતના પરિવર્તનની વાત કરે અને પરિવર્તન દેખાઈ રહ્યું છે છેલ્લા નવ વર્ષમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ અમુક દેશની કુલ આબાદી જેટલી વ્યક્તિઓને મળ્યા છે. કેન્દ્રીય મંત્રીએ આંગણવાડીની મુલાકાત લીધી હતી તેમજ વિકાસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. એટલું જ નહીં તેમણે સ્થાનિકો સાથે પણ સંવાદ કર્યો હતો.