1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી આ વર્ષે મોંઘી અને મોડી ખાવા મળશે
ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી આ વર્ષે મોંઘી અને મોડી ખાવા મળશે

ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી આ વર્ષે મોંઘી અને મોડી ખાવા મળશે

0
Social Share

જુનાગઢ: ગીર પંથકની કેસર કેરી માટે રાહ જોવા પડશે. કારણ કે પ્રતિકુળ વાતાવરણ અને માવઠાને લીધે કેસર કેરીના પાક પર અસર થતાં આ વર્ષે અનોખી મીઠાશ અને સ્વાદ ધરાવતી કેસર કેરી મોંધી અને મોડી ખાવા મળશે. તલાળા માર્કેટ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેસર કેરી આ વર્ષે એપ્રિલને બદલે મે મહિનામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે હજારો આંબાઓના મુળિયા હલબલી ગયા છે અને ઉપરથી ગત શિયાળામાં ઉપરાઉપરી કમોસમી વરસાદથી આ વખતે કેસર કેરી મોડી ઉપરાંત મોંઘી મળશે.

કેસર કેરીનું સૌથી મોટું માર્કેટ તાલાલા ગીરમાં આવેલું છે. કેસર કેરીના બાગાયતી ખેડુતોના કહેવા મુજબ  ચાર વર્ષથી ગીરની વિખ્યાત કેરીની આવકમાં ઘટાડો થયો છે અને દર વર્ષે વધતા રહ્યા છે, અને આ વર્ષે તો મોટો જમ્પ આવે તેવી શક્યતા છે. તલાળા માર્કેટ યાર્ડમાં 2010-11માં સર્વાધિક 1.48 લાખ ક્વિન્ટલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં 5 લાખ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.જ્યારે ગત વર્ષે 2021માં યાર્ડમાં 68793 ક્વિન્ટલ આવક થઈ હતી. કેરીના સોદા 10 કિલોના બોક્સ લેખે થતા હોય છે. ગત વર્ષે આવા એક બોક્સની કિંમત 375 હતી પરંતુ સારી ક્વોલિટીની કેસર કેરીનું બોક્સ 800માં વેચાયું હતું.

સોરઠ પંથકના બાગાયતી ખેડૂતોએ જણાવ્યું હતું કે.  કેરીનો પાક સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતમાં આવી જતો હોય છે, પરંતુ આ વર્ષે સારી કેરી મે મહિનાના અંતમાં આવશે, જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જતો હોવાથી સારી કેરીનો પિરિયડ ઓછો રહેશે. વિવિધ ફેક્ટરો જોતાં 10 કિલો બોક્સના ભાવ 800થી 1500 રહે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તડકો સારો પડે તો કેરીનું ફળ વિકસિત થતું હોય છે. જો કે, કેટલો અને કેવો પાક હશે તે મહદઅંશે અનિશ્ચિત અને કુદરત પર જ આધારિત રહેતું હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ સતત બદલાતી આબોહવાને કારણે પણ કેરીના પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. જો કે, આ વર્ષે પણ ઉત્પાદન ઓછું થવાની શંકા હોવાથી લોકોએ કેસર કેરીનો સ્વાદ માણવા માટે સામાન્ય કરતા વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code