Homeગુજરાતીગુજરાતલીલા શાકભાજીના ભાવમાં તેજીને લીધે કઠોળના વેચાણમાં સરેરાશ 30 ટકાનો વધારો થયો

લીલા શાકભાજીના ભાવમાં તેજીને લીધે કઠોળના વેચાણમાં સરેરાશ 30 ટકાનો વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં  વરસાદી સીઝનમાં લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ટમેટા, આદુ, કોથમીર સહિતના શાકભાજી઼ના ભાવમાં વધારો નોંધાતા ઘરે દાળ-ભાતમાંથી પણ ટમેટા, આદુનો ઉપયોગ ગૃહોણીઓએ બંઘ કરી દીધો છે. ટમેટાના ભાવ કિલોના 150 રૂપિયા થઇ જતા કાચા સલાડમાંથી પણ ટમેટાની બાદબાકી જોવા મળી રહી છે. શાકભાજીના ભાવ વધતા મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલમાં શાકભાજીના ભાવ વધતા ઘરમાં લોકોએ ખોરાક તરીકે કઠોળનો ઉપયોગ કરવા લાગ્યા છે. શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા કઠોળના વેંચાણમાં 30 ટકાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

આ અંગે દાણાપીઠના કઠોળના વેપારીઓના કહેવા મુજબ  હાલના સમયમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ વધવાની સાથે ઘરોમાં લોકોએ કઠોળનો ખોરાક તરીકે ઉપયોગ વધાર્યો છે. મગ, અડદ, વટાણા, ચોળા- ચોળી જેવા કઠોળમાં છેલ્લા 20 દિવસમાં વેંચાણમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.  1 કિલો કઠોળમાં 3 – 4 દિવસ ખોરાકમાં ઉપયોગ લઇ શકાય એટલા માટે શાકભાજીના ભાવ વધતા લોકોએ કઠોળનો ખોરાકમાં ઉપયોગ વધારી દીધો છે.

કેટલાક આયુર્વેદાચાર્યોના મત મુજબ વર્ષાઋતુમાં કઠોળનો ઉપયોગ શાકભાજી કરતા વધુ હિતાવહ છે. કઠોળમાં મગ શ્રેષ્ઠ છે, જેનો ખોરાકમાં દરરોજ પ્રયોગ પણ કરી શકાય છે. ફણગાવેલા મગ પચવામાં ભારે હોય જેથી ચોમાસામાં પ્રયોગ ન કરવો જોઇએ. અને અન્ય કઠોળ નિયમિત ખોરાકમાં ઉપયોગમાં ન લેવા જોઇએ. જો વધારે પડતા વટાણા, અડદ, ચણાનો ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે તો પેટમાં ગેસ થવો, ભુખ મરી જવી, કબજીયાત, ઉધો ગેસ, પેટનો દુ:ખાવો વગેરે જેવા પાચનના રોગો થાય છે. આવા રોગોથી રાહત માટે એરંડીયમાં સાંતળેલી હિમેજનો ભુક્કો કરી 1 ચમચી ચૂર્ણ સાથે ચમચીનો ચોથો ભાગ સંચળ અને ચપટી હિંગ મીક્ષ કરી રાત્રે સુતી વખતે ગરમ પાણી સાથે ફાકી જવાથી તેમાં રાહત મળે છે.

સંબંધિત લેખો

Most Popular