ગાંધીનગર, 18 ઓગસ્ટ 2026: ગુજરાત ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ સાયબર ક્રાઈમ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરતા આસામમાંથી એક યુવકની ધરપકડ કરી છે. આ આરોપી પર દેશભરમાં રૂ. 1,071.5 કરોડના અંદાજે 1,090 સાયબર અપરાધોમાં સંડોવણી હોવાનો ગંભીર આરોપ છે, જેમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના મામલા પણ સામેલ છે. આરોપી ચીનમાં બેઠેલા હેકર્સ અને ગુનેગારોના સંપર્કમાં રહીને કરોડોની રકમ ક્રિપ્ટોકરન્સીમાં બદલીને ચીન મોકલતો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ 25 વર્ષીય રફીકુલ આલમ તરીકે થઈ છે. તેને આસામના બારપેટા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસ અને સુપ્રીમ કોર્ટના નકલી પત્રોના આધારે એક વરિષ્ઠ નાગરિકને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવાના કેસની તપાસ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો હતો. CCEની ટેક્નિકલ ટીમ અને પીડિતોના નિવેદનોના આધારે એક વિશેષ ટીમ આસામના બારપેટા પહોંચી હતી. પોલીસે ભેશ બદલીને આરોપીના ઘરની ત્રણ દિવસ સુધી સતત રેકી કરી હતી અને અંતે તેના ટેક્નિકલ ગેજેટ્સ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો મુખ્ય ઓપરેટર છે. સાયબર ફ્રોડથી મળતી ગેરકાયદેસર રકમને નાણાકીય સર્વેલન્સ એજન્સીઓની નજરથી બચાવવા માટે તે ખૂબ જ ચાલાકીથી કામ લેતો હતો. તે આ રકમને નાના-નાના હિસ્સામાં વહેંચીને માત્ર એક જ કલાકની અંદર દેશભરમાં ફેલાયેલા આશરે 1,758 જેટલા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતો હતો. આરોપી વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા ચીનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો અને ક્યૂઆર સ્કેનર, યુઝર આઈડી, પાસવર્ડ તથા ક્રિપ્ટો વોલેટ જેવી વિગતોની આપ-લે કરતો હતો.
ફોનમાંથી મળ્યા 23 ક્રિપ્ટો વોલેટ
આરોપીના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન કુલ 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેમાં આશરે રૂ. 16 કરોડના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. ‘ચિપ સેલર’ એપનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ કરવામાં આવતું હતું અને તે રકમ ચીન સ્થિત ગેંગને મોકલવામાં આવતી હતી. આ સાથે તેના ફોનમાંથી ગેમિંગ અકાઉન્ટ્સના શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે. ગુજરાત પોલીસ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની પણ ભાળ મેળવવામાં આવી રહી છે.

