Homerevoinewsપરિવાર અને સમાજ તરછોડે તેવા મનોદિવ્યાંગોને અહીં આશ્રય મળે છે, ગૌરવપૂર્વક

પરિવાર અને સમાજ તરછોડે તેવા મનોદિવ્યાંગોને અહીં આશ્રય મળે છે, ગૌરવપૂર્વક

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ એક્સક્લુઝિવઃ 18 ઓગસ્ટ, 2026 – કોઈપણ દેશનો કોઈપણ સમાજ હંમેશાં સારા અને નરસા બંને પ્રકારનાં પરિબળોથી સંચાલિત હોય છે. જોકે છેવટે સત્કર્મો કરનારના હાથ જ ઉપર રહે છે, તેઓ જ પોંખાય છે, સામાજિક તાણાવાણા તેમના કારણે જ ટકી રહે છે. સમાજમાં છૂટાછવાયા એવા ઘણા વિરલા છે જે હૃદયની અનુકંપાથી પ્રેરાઈને પીડિતો, વંચિતો, વૃદ્ધ નાગરિકો, અનાથ બાળકો, અનાથ મહિલાઓને સધિયારો આપીને તેમને સાચવી લે છે. આવા જ એક સ્વૈચ્છિક સંગઠન વિશે આપણે આ જ સ્થળે લગભગ બે મહિના પહેલાં, 20મી જૂને જાણ્યું હતું જે સુરેન્દ્રનગર પંથકમાં કાર્યરત છે – (https://www.revoi.in/if-you-know-about-this-unique-service-you-too-will-say-wow/ આ અનોખા સેવાયજ્ઞ વિશે જાણશો તો તમે પણ કહેશો…વાહ! ). કંઈક આવી જ, અથવા એના કરતાં થોડી વધુ અઘરી કામગીરી અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે થઈ રહી છે.

માનવીય અનુકંપા અને આશ્રમનો પ્રારંભ

અહીં ચાર મિત્રો- અશોકભાઈ જૈન, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ લુહાર અને વિશાલભાઈ પટેલ સાથે મળીને એવા લોકો માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે જેમને સમાજ તો ઠીક, ઘણા કિસ્સામાં પરિવાર પણ તરછોડી દેતો હોય છે. એવા કમનસીબ લોકો છે- મનોદિવ્યાંગ, જેમને તેમના પોતાના વિશે લગભગ કશું જ ભાન નથી હોતું. અને તેમાંય મહિલા હોય તો આવી મનોદિવ્યાંગ સ્થિતિ અતિશય વિકટ બની જતી હોય છે.

આવા લોકોનું અને તેમાંય ખાસ કરીને મનોદિવ્યાંગ મહિલાઓનું આશ્રયસ્થાન છે- જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટ. આ ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ જૈન રિવોઈ સાથેની ખાસ મુલાકાતમાં જણાવે છે કે, “ઘણાં વર્ષ પહેલાં અમને ચાર મિત્રોને આ અંગે વિચાર આવ્યો હતો. બાકીના બધાને તો કોઈને કોઈ આશ્રય મળી રહેતો હોય છે, પરંતુ મનોદિવ્યાંગ મહિલાઓની સ્થિતિ સૌથી કફોડી હોય છે. અમે રજાના દિવસોમાં વાહન લઈને નીકળતા અને આવી કોઈ મહિલા દેખાય તો તેની મદદ કરીને યોગ્ય સ્થાને પહોંચાડવા પ્રયાસ કરતા. જોકે અનુભવે અમને સમજાયું કે આવી મહિલાઓને રાખવા કોઈ તૈયાર નથી થતું.”

Mentally challenged people who are abandoned by their families and society find shelter here, proudly. Picture by Alkesh Patel
Mentally challenged people who are abandoned by their families and society find shelter here, proudly. Picture by Alkesh Patel

અસ્થિર મહિલાને પથ્થર મારી રહેલું ટોળું વધારે અસ્થિર લાગ્યું

એ દરમિયાન એક ઘટના બની. બાયડ બસ સ્ટેશનની બહાર પચીસેક વર્ષની એક મનોદિવ્યાંગ મહિલા કોઈક નજીવા કારણસર ટોળાનો ભોગ બની. લોકો તેને પથ્થર મારી રહ્યા હતા. બસ સ્ટેશનની સામે જ કટલરીની દુકાન ચલાવતા અશોકભાઈને આ વાતની જાણ થઈ એટલે તેઓ દોડીને ત્યાં પહોંચ્યા. મહિલા તો અસ્થિર હતી, પરંતુ તેને મારી રહેલું ટોળું તેના કરતાં પણ વધારે અસ્થિર હોય એવું લાગતું હતું. અશોકભાઈએ મહિલા સાથે હેતપૂર્વક વર્તન કરીને તેની નજીક પહોંચ્યા અને તેનાં કપડાં વ્યવસ્થિત કર્યા. તેને બેસાડીને ખાવાનું આપ્યું. બસ એ પછી એ મહિલા ઘણા દિવસ સુધી દેખાઈ નહીં. અશોકભાઈને મનમાં પ્રશ્નો ઊભા થયાઃ એ મહિલા ક્યાં ગઈ હશે? કેવી સ્થિતિમાં હશે? તેની સાથે કશું અજુગતું તો નહીં થયું હોય ને? મિત્રો સાથે મળીને તેમણે વિચાર્યું કે આવી મહિલાઓને સલામત આશ્રય મળવો જોઈએ. “…તેથી 2016માં અમે જ એક ટ્રસ્ટ બનાવીને બાયડમાં જ હાઈવે ઉપર એક જગ્યા ભાડે રાખીને ત્યાં આશ્રમની શરૂઆત કરી. પ્રારંભમાં આવી ત્રણ મહિલાને આશ્રય આપવામાં આવ્યો.”

આટલાં વર્ષોમાં આશ્રમની કામગીરી ઘણી વધી ગઈ છે. સમાજ અને દાતાઓના સહયોગથી હવે તો વિશાળ મકાન બનાવવામાં આવ્યું છે જ્યાં મનોદિવ્યાંગ મહિલાઓ સલામતી અને સુવિધાપૂર્વક રહી શકે છે. ધીમે ધીમે જરૂરિયાત ઊભી થતાં મનોદિવ્યાંગ પુરુષોને રાખવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની સ્થિતિએ આ આશ્રમમાં 166 બહેનો અને 116 ભાઈઓ રહે છે.

સારવાર આપવા છેક અમદાવાદથી આવે છે ડૉક્ટર

અશોકભાઈ રિવોઈને જણાવે છે કે, આશ્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 658 મનોદિવ્યાંગોને સારવાર આપીને, સાજા કરીને પોતપોતાના ઘરે મોકલવામાં આવ્યા છે. તેઓ માહિતી આપે છે કે, આ તમામ મનોદિવ્યાંગોની નિયમિત સારવાર કરવામાં આવે છે. આ માટે અમદાવાદથી ડૉ. પ્રણવ શેલત મહિનામાં બે વખત આવે છે. ડૉ. શેલત વર્ષોથી આ સેવા કરી રહ્યા છે અને એ માટે કોઈ જ ફી લેતા નથી.

હવે તો આશ્રમના સંકુલમાં છ બેડની એક હોસ્પિટલ પણ તૈયાર કરી દેવામાં આવી છે જેથી અહીં આશ્રય લઈ રહેલી મહિલાઓ કે પુરુષો બીમાર પડે તો સારવાર માટે તેમને બહાર લઈ જવા ન પડે.

સમાજ અને સરકાર સાથેના અનુભવો…

Mentally challenged people who are abandoned by their families and society find shelter here, proudly

સેવાકીય પ્રવૃત્તિ બદલ રાજ્ય સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત અશોકભાઈ રિવોઈને જણાવે છે કે, સમાજમાં જાગૃતિ આવી છે તે કારણે રાજ્યમાં કોઈપણ ખૂણેથી અમને ફોન આવે તો આવી મનોદિવ્યાંગ વ્યક્તિઓને લેવા અમે જાતે પહોંચી જઈએ છીએ. તેઓ કહે છે કે, રાજ્ય સરકારને અમે નવેમ્બર 2025માં એક આવેદન આપીને વિનંતી કરી છે કે, સરકાર તરફથી રાજ્યના તમામ પોલીસ મથકમાં એક પરિપત્ર મોકલવામાં આવે કે, જે તે પોલીસ સ્ટેશનની હદમાં કોઈપણ મનોદિવ્યાંગ વ્યક્તિ નજરે પડે તો અમને જાણ કરવામાં આવે, અમે તેમને લેવા જઈશું અને અહીં આશ્રમમાં લાવીને તેમની કાળજી લઈશું. પરંતુ કોઈ કારણસર રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી આ દિશામાં કોઈ પગલું લેવાયું હોવાની જાણ નથી.

અશોકભાઈ કહે છે કે, અમને સૌથી વધુ આર્થિક મદદ બે ઘટના પછી મળી. એક તો આકરુંદની શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિએ તેમના બ્લૉગમાં લખ્યું ત્યારે અને પછી વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે તેમની કભી કભી કૉલમમાં લખ્યું ત્યારે.

આશ્રમમાં લાવવામાં આવનાર અથવા કોઈના મારફત પહોંચેલા આ મનોદિવ્યાંગ લોકોની જ્ઞાતિ-જાતિ કે ધર્મ વિશે અમને કશી જાણ નથી હોતી અને અમે એ ધ્યાનમાં પણ નથી લેતા તેમ જણાવી અશોકભાઈ રિવોઈને કહે છે, આમછતાં અહીં પહોંચેલા લોકો વિશે આ બાબતોની જાણકારી મળે ત્યારે તેમનું એ અનુસાર ધ્યાન રાખવામાં આવે છે-ખાસ કરીને મૃત્યુ પામે ત્યારે અંતિમક્રિયા સમયે.

Mentally challenged people who are abandoned by their families and society find shelter here, proudly. Picture by Alkesh Patel
Mentally challenged people who are abandoned by their families and society find shelter here, proudly. Picture by Alkesh Patel

નાગરિકો પણ સંપર્ક કરી શકે…

આશ્રમમાં પણ જાળવવા મુશ્કેલ પડે એવા આ વિશિષ્ટ લોકોને અશોકભાઈ અને તેમની ટીમ ક્યારેક ક્યારેક યાત્રા-પ્રવાસ કરાવે છે. તેમની સાથે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે. અનેક સેવાભાવી લોકો પોતે મોટું દાન ન આપી શકે તો તેમના અથવા તેમના પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી પણ આ આશ્રમમાં કરે છે. (રિવોઈના વાચકો પણ ઈચ્છે તો – 6351921349 અથવા 9426036449 ઉપર સંસ્થાનો સંપર્ક સાધી શકે છે)

નર્સિંગ સ્ટાફમાં ચાર સહિત કુલ 34 વ્યક્તિનો સ્ટાફ આ મનોદિવ્યાંગ મહિલાઓ-પુરુષોની જે રીતે કાળજી લે છે એ નજરે જોયા પછી એ વાતનો પુનરોચ્ચાર કરી શકાય કે અશોકભાઈ અને તેમના ટ્રસ્ટના અન્ય ત્રણ મિત્રો, સુનિલભાઈ લાલવાણી જેવા દાતાઓ ઉપરાંત જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટના સ્ટાફના બહેનો-ભાઈઓ છે ત્યાં સુધી માનવતાની મહેંક ઓછી નહીં થાય. હા, એ ખરું કે સ્થિતિ એવી હોવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ આવા મનોદિવ્યાંગ ન હોય અને તેમના માટે આવા કોઈ આશ્રમની જરૂર જ ન પડે.

(આ વિશેષ અહેવાલ વિશે તમારા અભિપ્રાય અચૂક જણાવો >>> [email protected])

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular