ભોપાલ, 18 ઓગસ્ટ 2026: મધ્ય પ્રદેશના ભિડ જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માતમાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ગ્વાલિયર-ભિડ માર્ગ પર ગોહદ ચોરાહ નજીક છિમકા ગામ પાસે સર્જાઈ હતી. મજૂરોથી ભરેલી એક પિકઅપ ગાડીને સામેથી આવી રહેલા પૂરપાટ ઝડપી ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે પિકઅપ વાહનના ફાટીને ટુકડે-ટુકડા થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પિકઅપમાં સવાર તમામ મજૂરો ગ્વાલિયર ખાતે મજૂરી કામ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને સૌપ્રથમ સ્થાનિક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બે ડઝનથી વધુ મજૂરોને ગ્વાલિયરની પ્રખ્યાત જયાઆરોગ્ય હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા.
JAH ટ્રોમા સેન્ટરના કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ ડૉ. દેવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 5 લોકોના મોત તો ઘટનાસ્થળે જ થઈ ગયા હતા, જ્યારે 3 ગંભીર ઇજાગ્રસ્તોએ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રાણ છોડ્યા હતા. હાલ હોસ્પિટલમાં ઘાયલ અન્ય શ્રમિકોની સારવાર ચાલી રહી છે.
ઘાયલ મજૂરે વર્ણવી આપવીતી
એક ઘાયલ મજૂરે અકસ્માતનું ભયાનક દ્રશ્ય યાદ કરતા જણાવ્યું કે, તેઓ તમામ લોકો ગ્વાલિયર કામ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સામેથી બેકાબૂ ઝડપે આવી રહેલા ટ્રકે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર થતા જ પિકઅપમાં સવાર શ્રમિકોમાં ચીસો મચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મૃતકોના પરિવારજનોના આગમન બાદ પોસ્ટમોર્ટમની આગળની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પોલીસ હાલ આ દુર્ઘટનાના સાચા કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ફરાર ડમ્પર ચાલકની ભાળ મેળવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

