ઈસ્લામાબાદ, 13 ઓગસ્ટ 2026: પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને ઈમરૂન ખાનના નજીકના નેતા ગણાતા શેખ રશીદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સાઈદ સાથેના પોતાના સંબંધોની કબૂલાત કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં તેમણે ખુદને હાફિઝ સાઈદના ગુલામ અને ફોલોઅર ગણાવ્યા છે, જોકે આ વાયરલ વીડિયોની તારીખ અને સમયની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
‘ઓસિંટ ટીવી’ દ્વારા એક્સ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં શેખ રશીદ એવું કહેતા નજરે પડે છે કે, તેઓ હાફિઝ સાઈદના અનુયાયી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં તેમને અમેરિકાથી પરત મોકલી દેવામાં આવ્યા હતા કારણ કે તેમના મોબાઈલ ફોનમાંથી હાફિઝ સાઈદનો નંબર મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં અમેરિકન એરપોર્ટ પર તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તે સમયે પણ તેમના લશ્કર-એ-તૈયબા સાથેના કથિત સંબંધો ચર્ચામાં આવ્યા હતા.
વાયરલ વીડિયોમાં શેખ રશીદે ભારત વિરુદ્ધ આડેધડ ઝેર ઓક્યું હતું અને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. તેમણે ભારત વિરુદ્ધ લડનારા આતંકીઓની પ્રશંસા કરતા ભારતને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વીડિયોમાં તેમણે ભારતમાં આવેલા બિરલા મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની સાથે કેટલાક શંકાસ્પદ લોકો પણ નજરે પડી રહ્યા છે, જેઓ લશ્કર સાથે જોડાયેલા હોવાનું મનાય છે.
હાફિઝ સાઈદ એ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મુખ્ય સ્થાપક છે, જે 2008ના મુંબઈ આતંકી હુમલાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પણ તેની સામે કાનૂની કાર્યવાહી જારી છે. પાકિસ્તાની અદાલતો દ્વારા તેને આતંકી ફંડિંગ કેસમાં ૩૧ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને હાલ તે જેલની સજા કાપી રહ્યો છે.

