નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2026: સંસદનું ચોમાસુ સત્ર ગુરુવારે પૂરું થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને સત્તા તથા વિપક્ષના નેતાઓ વચ્ચે એકબીજા પર સંસદ ન ચાલવા દેવાના આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
પટનાથી સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આખું ચોમાસુ સત્ર એક નેતાના અહંકાર, શિસ્તહીનતા અને ઉદ્ધતાઈની ભેટ ચઢી ગયું છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યારે સત્ર શરૂ થયું ત્યારે રાહુલ ગાંધી પોતાની બહેન (સાંસદ પ્રિયંકા ગાંધી) સાથે પૂર્વ મંજૂરી લીધા વિના વડાપ્રધાનના નિવાસસ્થાનના ગેટ પર જઈને બેસી ગયા હતા. રાહુલ ગાંધી કોઈ સામાન્ય વ્યક્તિ નથી; તેમના પરિવારના સભ્યો (પિતા, દાદી, પરનાના) વડાપ્રધાન રહી ચૂક્યા છે, જેથી PM આવાસની પવિત્રતા અને સુરક્ષા અંગે તેઓ સારી રીતે વાકેફ હોવા છતાં આવું પગલું ભર્યું હતું.
રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે જ્યારે ગૃહ સચિવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ ત્યાં પહોંચ્યા અને વાતચીત થઈ ત્યારે તેઓ ચર્ચા માટે તૈયાર હોવાનું કહેતા હતા, પરંતુ બાદમાં વડાપ્રધાન દ્વારા ચર્ચાની તૈયારી દર્શાવ્યા બાદ તેઓએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી આગળ ધરી દીધી હતી. આમ, રાહુલ ગાંધી વારંવાર પોતાના ‘ગોલ પોસ્ટ’ બદલતા રહ્યા હોવાનો ભાજપના નેતાએ દાવો કર્યો હતો.
- “એક અહંકારી નેતાના કારણે કરોડો રૂપિયા બરબાદ થયા”: ગિરિરાજસિંહ
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે પણ સંસદનું કામકાજ અટકાવવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે એક અહંકારી અને જીદ્દી નેતાના કારણે આખો મહિનો મજાક બનીને રહી ગયો. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે સંસદની મર્યાદાઓ ઓળંગી દીધી છે અને જનતાના સેંકડો કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. કોંગ્રેસ પાર્ટી સંસદને ચાલવા દેવા માંગતી જ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

