ગાંધીનગર, 30 સપ્ટેમ્બર, 2026 : Dengue and malaria situation completely under control વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં સઘન બનાવવાના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યમાં વાહકજન્ય રોગોના સઘન નિદાન અને સર્વેલન્સ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન ૪૨ હોસ્પિટલોમાં ઉપલબ્ધ નિદાન કેન્દ્રોની કામગીરી અને સીરમ સેમ્પલના ટેસ્ટિંગની પરિસ્થિતિની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, મંત્રીએ રાજ્યભરમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાંરૂપે ચાલી રહેલી ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સ ઝુંબેશની માહિતી મેળવીને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૬માં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં ૨૨ ટકા અને ડેન્ગ્યુના કેસોમાં ૩૯.૬ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન ૪૨ હોસ્પિટલોના નિદાન કેન્દ્રો દ્વારા ડેન્ગ્યુના શંકાસ્પદ ૧.૩૫ લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨,૦૯૯ કેસ પોઝિટિવ નોંધાયા હતા.
આ ઉપરાંત, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને તમામ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરો તથા તેમના પ્રજનન સ્થાનો (બ્રીડિંગ સાઇટ્સ)નો નાશ કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવાની કડક સૂચના આપી હતી.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને આશ્વાસન આપતાં જણાવ્યું કે, રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુ કાબૂમાં છે. તેમણે પ્રજાજનોને અફવાઓથી ન ગભરાવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર આસપાસ સ્વચ્છતા જાળવી પૂરતી સાવચેતી રાખવા વિનંતી કરી હતી.


