Homeગુજરાતીગુજરાતબરડાના જંગલમાં સિંહોના પુનર્વસવાટ માટે વન વ્યવસ્થાપનમાં કરાયો મોટો ફેરફાર

બરડાના જંગલમાં સિંહોના પુનર્વસવાટ માટે વન વ્યવસ્થાપનમાં કરાયો મોટો ફેરફાર

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર, 2026 :  Major change in forest management for lion rehabilitation in Barda forest મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના બરડા ખાતે બનેલા ‘બીજા ઘર’ને મજબૂત વહિવટી આધાર આપવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. બરડામાં સિંહોના પુનર્વસવાટને ‘પાક્કું’ કરવા માટે રાજ્ય સરકારે ઝડપી કવાયત હાથ ધરી પોરબંદર વન વિભાગના વહીવટી માળખાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ; પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે, વન વિભાગની યોજનાઓના અમલીકરણમાં સુગમતા રહે તેમજ પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો થાય; તે હેતુથી પણ પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે બરડામાં 143 વર્ષ બાદ એશિયાટિક સિંહોનું કુદરતી રીતે પાછા ફરવાની ઘટના બાદ બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર આ પુનર્ગઠનની બાબત પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હતી.

મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી  પ્રવીણભાઈ માળીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયથી બરડા સહિત પોરબંદર જિલ્લાના વન વિસ્તારોમાં વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન માટે જવાબદારીનું વધુ સ્પષ્ટ વિતરણ થશે. રેન્જ, બીટ, અધિકારી કક્ષાની જવાબદારી, સ્ટાફ, વાહનો, હથિયારો, વૉકી-ટૉકી, વાયરલેસ અને અન્ય સાધન-સામગ્રીના વહીવટી નિયંત્રણમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટની દિશામાં આગળ વધતી કામગીરી માટે માત્ર વન વિસ્તારનું સંરક્ષણ જ નહીં, પરંતુ તેના માટે જરૂરી વહીવટી અને ધરાતલીય માળખું પણ મહત્વનું છે. પોરબંદર વન વિભાગનું આ પુનર્ગઠન આ જરૂરિયાતને પૂર્ણ કરશે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ અંગે કરાયેલા અધિકૃત ઠરાવ મુજબ પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના સરળ નિરાકરણ તેમજ વન વિભાગની યોજનાઓના અમલીકરણમાં સુગમતા સાથે પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો અને બરડા વિસ્તારમાં સિંહોના પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને વિભાગનું પુનર્ગઠન કરવાની જરૂર હતી. આથી નવી રચનામાં રેન્જ, બીટ અને અધિકારી કક્ષાની જવાબદારીઓ વધુ સ્પષ્ટ બનશે. પુનર્ગઠન હેઠળ પોરબંદર રેન્જની રચનાને નવેસરથી ગોઠવવામાં આવી છે કે જેમાં પોરબંદર રેન્જ હેઠળ 6,840.84 હૅક્ટર વિસ્તાર અને કુલ 80 ગામોનો સમાવેશ કરાયો છે. આ વિસ્તારને પોરબંદર સિટી, ગોસાબારા, મોકર, વિસાવાડા, કાંટેલા, માધવપુર અને સતિયા સહિતની વિવિધ બીટમાં વહેંચવામાં આવ્યો છે. તેવી જ રીતે રાણાવાવ રેન્જ હેઠળ 13,051.25 હૅક્ટર વિસ્તાર અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત પુનર્ગઠનનો મહત્વનો ભાગ જામનગર વન વિભાગ હસ્તકની RFW ભાટિયા રેન્જના 305.94 હૅક્ટર વિસ્તારને પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં સમાવવાનો છે. આ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાર ગામોના વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તાર પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ થયા બાદ તેની તમામ વહીવટી કામગીરી પોરબંદર વન વિભાગના વહીવટી તંત્ર હેઠળ કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular