Homeગુજરાતીદેશ-વિદેશતમિલનાડુમાં CM વિજયનો મોટો નિર્ણય, મહિલાઓને મળશે મફત બસ મુસાફરીની સુવિધા

તમિલનાડુમાં CM વિજયનો મોટો નિર્ણય, મહિલાઓને મળશે મફત બસ મુસાફરીની સુવિધા

ચેન્નાઈ, 02 ઓક્ટોબર 2026: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય આજે, શુક્રવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક અનોખા અવતારમાં જોવા મળ્યા હતા. પોતાની અભિનય કારકિર્દી દરમિયાન અનેક પાત્રો ભજવ્યા બાદ, મુખ્યમંત્રી વિજયે આજે વાસ્તવિક જીવનમાં બસ કંડક્ટરની ભૂમિકા ભજવી હતી.

મુખ્યમંત્રી વિજયે મહિલાઓને જાતે બસની ટિકિટો આપી. બસમાં સવાર તમામ મુસાફરો ખૂબ ખુશ જણાતા હતા. એક મહિલાએ મુખ્યમંત્રી વિજયને નજર ન લાગે તે માટે એક વિધિ પણ કરી; આ જોઈને મુખ્યમંત્રી વિજયે પણ તેમના પ્રત્યે તેવો જ ભાવ વ્યક્ત કર્યો.

ચેન્નાઈમાં મફત બસ મુસાફરીનો વિસ્તાર

મુખ્યમંત્રી વિજયે આજે ‘વેટ્રી પયનમ થીટ્ટમ’ (Vettri Payanam Thittam) યોજનાના વિસ્તરણનો શુભારંભ કર્યો. આ પહેલ હેઠળ, સમગ્ર રાજ્યમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેની મફત બસ મુસાફરીની સુવિધાનો વ્યાપ વધારીને તેમાં વધારાના વર્ગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધી જયંતિના અવસરે આજે આ યોજનાનો શુભારંભ કરતી વખતે વિજયે ચેન્નાઈમાં બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન, મુખ્યમંત્રીએ મુસાફરો સાથે વાતચીત કરી હતી અને મહિલાઓને વ્યક્તિગત રીતે મફત ટિકિટોનું વિતરણ કર્યું હતું.

બસમાં મુસાફરી કરી રહેલા કોલેજના વિદ્યાર્થીઓ પણ મુખ્યમંત્રીની સાથે ચોકલેટ વહેંચતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજયનો બસ કંડક્ટર તરીકે કામ કરતા હોવાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

‘વેત્રી પયનમ યોજના’ શું છે?

તમિલનાડુ સરકારની આ વિસ્તૃત યોજનાથી દરરોજ અંદાજે 84.32 લાખ મહિલાઓને લાભ મળવાની અપેક્ષા છે. લાભાર્થીઓ રાજ્ય પરિવહન નિગમો દ્વારા સંચાલિત 12,695 બસોમાં મફત મુસાફરી કરી શકે છે, જેમાં એક્સપ્રેસ અને ડીલક્સ શ્રેણીની બસોનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ યોજના હેઠળ આવકની કોઈ મર્યાદા નથી. વધુમાં, લાભાર્થી એક દિવસમાં કેટલી વાર મુસાફરી કરી શકે તે અંગે કોઈ નિયંત્રણો નથી.

સરકારે આ યોજનાનું નામ ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) પક્ષના નામ પરથી રાખ્યું છે, જેનો અર્થ “વિજયી યાત્રા” થાય છે. અગાઉ, આ યોજના માત્ર ચોક્કસ શ્રેણીની બસો પૂરતી જ મર્યાદિત હતી. હવે, આ વિસ્તૃત સુવિધામાં એક્સપ્રેસ, ડીલક્સ, મોફસિલ, ઓર્ડિનરી અને અમુક ઘાટ-વિસ્તાર (પહાડી માર્ગ)ની બસ સેવાઓનો પણ સમાવેશ થાય છે.

આ યોજના અંગે પરિવહન મંત્રી એ. વિજય તમિલન પાર્થિબને જણાવ્યું હતું કે, “આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના શિક્ષણ, રોજગાર, આજીવિકા અને આર્થિક સશક્તિકરણને સમર્થન આપવાનો છે, જેથી પરિવહનનો ખર્ચ તેમની પ્રગતિમાં અવરોધ ન બને.”

વધુ વાંચો: ગુજરાતમાં UCCને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લિવ-ઇનનું ફરજિયાત રજિસ્ટ્રેશન

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular