Site icon Revoi.in

કાળા હરણના શિકાર મામલે સલમાન ખાને માફી માંગવી જોઈએઃ અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા

Social Share

નવી દિલ્હીઃ ‘અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા’ના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બિશ્નોઈએ જણાવ્યું હતું કે, લૉરેન્સ બિશ્નોઈ અમારા બિશ્નોઈ સમુદાયનો છે અને રહેશે. લોરેન્સ બિશ્નોઈ શું કરી રહ્યા છે તે કોર્ટનો મામલો છે. તેમણે એમ પણ કહ્યું કે, સલમાન ખાન અમારો અને માનવ સમાજનો દોષી છે, કારણ કે સલમાન ખાને કાળા હરણનું મારણ કર્યું છે અને કાળા હરણને મારવું એ ગેરકાયદેસર ગુનો છે. બિશ્નોઈ સમુદાય આ અપરાધને બિલકુલ સહન કરી શકે નહીં.

બિશ્નોઈ સમુદાયનું કહેવું છે કે સલમાન ખાન ચોક્કસપણે તેમનો ગુનેગાર છે. બિશ્નોઈ સમુદાય છેલ્લા 24 વર્ષથી આ પીડા સહન કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, સલમાન ખાને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ, કારણ કે સમાજની માફી માંગવાથી કોઈ વ્યક્તિ નાનો નથી થઈ જતો. સલમાન ખાને માફી માંગવી પડશે અને જો માફી માંગવાથી શાંતિ મળે તો તે આપણા દેશ અને સમાજ માટે સારી વાત હશે.

દેવેન્દ્ર બિશ્નોઈએ જણાવ્યું હતું કે, બિશ્નોઈ સમાજ પર્યાવરણ અને વૃક્ષો તેમજ વન્ય જીવો માટે પોતાનો જીવ આપનારો સમાજ રહ્યો છે. તે હંમેશા પ્રકૃતિની રક્ષા કરતો સમાજ રહ્યો છે, પરંતુ તે સમાજને મીડિયામાં બિશ્નોઈ ગેંગના નામે ટ્રોલ કરવામાં આવે છે. હું દરેકને અપીલ કરું છું કે અમને બિશ્નોઈ ગેંગ ન કહે, કારણ કે અમે સમાજ અને પર્યાવરણને ઘણું આપ્યું છે. તેમણે કહ્યું કે અમારી પાસે 29 નિયમો છે અને તમામ નિયમો માનવજાત માટે ઉપયોગી છે. તેથી, હું અપીલ કરું છું કે તમે અમને બિશ્નોઈ સમુદાય તરીકે ઓળખો, બિશ્નોઈ ગેંગ તરીકે નહીં.

Exit mobile version