Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138 મીટરે પહોંચતા છલોછલ ભરાયો

Social Share

અમદાવાદઃ મધ્યપ્રદશમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી સમયાંતરે છોડાતા પાણીને લીધે સરદાર સરોવર નર્મદા ડેમ 99 ટકા ભરાયો છે. સિઝનમાં પહેલીવાર ડેમની જળસપાટી 138 મીટરને વટાવી ગઈ છે. ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર 282 ક્યુસેક પાણીની આવકથઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચડવામાં 46 સેન્ટિમીટર જ બાકી છે. હાલ ડેમના તમામ દરવાજા બંધ કરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં છલોછલ ભરાયેલો છે, સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 138 મીટરને પાર કરી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તમામ દરવાજા આગામી સીઝન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, અને હાલમાં તેને મહત્તમ સપાટી સુધી પહોંચાડવામાં માત્ર 46 સેન્ટિમીટર જ બાકી છે. આનો અર્થ છે કે ડેમ લગભગ 99 ટકા જેટલો ભરાઈ ગયો છે.

નર્મદા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદીના ઉપરવાસમાંથી ડેમમાં 78,282 ક્યુસેક પાણીની જંગી આવક થઈ રહી છે. જોકે, ડેમની સપાટી જાળવી રાખવા અને પાણીના સદુપયોગ માટે હાલમાં ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર પાવર હાઉસ અને કેનાલોમાં જ પાણીની જાવક ચાલુ છે, જે 47,177 ક્યુસેક જેટલી છે. એટલે કે, પાણીનો જથ્થો નિયંત્રિત રીતે છોડાઈ રહ્યો છે જેથી સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે. દરવાજામાંથી વહેતું પાણી હાલ બંધ કરાયું છે. નર્મદા ડેમ છલોછલ ભરાતા ગુજરાતના લાખો લોકોને પીવાના પાણી અને હજારો હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. ડેમનું આ સ્તર ગુજરાત માટે આગામી વર્ષ માટે પાણીની સુરક્ષાની ખાતરી આપે છે, જે રાજ્યની કૃષિ અને ઔદ્યોગિક પ્રગતિ માટે અત્યંત આવશ્યક છે.

Exit mobile version