અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. ભૂગર્ભમાં સક્રિય થયેલી ફોલ્ટલાઈનને પગલે ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયા છે. જો કે, સદનબીસે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આ આંચકા નોંધાયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરીના રોજ ભૂકંપના 3 આંચકા નોંધાયાં હતા. અમરેલીમાં સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આવી જ રીતે ગોંડલમાં સાંજના 2.5 અને અમરેલીમાં રાતના 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 5મી ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં 3.1ની તીવ્રતા, 6 ફેબ્રુઆરીએ અમરેલીમાં 3.2ની તીવ્રતા, 8મી ફેબ્રુઆરીના કચ્છના ભચાઉમાં 3ની તીવ્રતા, 9મી ફેબ્રુઆરીએ 3ની તીવ્રતા, 11મી ફેબ્રુઆરીએ બપોરના સમયે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતા, સુરતમાં રાતના 3.8ની તીવ્રતા, 12મી ફેબ્રુઆરીએ તાલાલામાં 2.1, 14મી ફેબ્રુઆરીએ તાપીના ઉકાઈમાં 2.3ની તીવ્રતા અને 19મી ફેબ્રુઆરીએ અમરેલીના ખાંભામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે, સદનસીબે ભૂકંપના આ આંચકાઓમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.
તૂર્કી અને સીરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. તેમજ લાખો લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ તુર્કી અને સિરીયાને જરુરી મદદ પુરી પાડી હતી. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને ગુજરાતની જનતાને બે દાયકા પહેલા વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપની યાદ તાજી કરાવી હતી. રાજ્યમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપના જોરદાર આંચકા બાદ અવાર-નવાર ધરા ધ્રુજવાની ઘટના બને છે.
(PHOTO-FILE)