Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફી નિયમન કમીટીની રચના, 235 કોલેજોની ફી નક્કી કરાશે

Social Share

રાજકોટઃ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના અમલીકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં ફીના માળખાના ગઠન માટે ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીના અધ્યસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ રહેશે. રાજ્ય સરકાર દ્વારા જે રીતે શાળાઓમાં FRC છે તે રીતે હવે કોલેજોમાં ફી નક્કી કરવા માટે ફી નિયમન સમિતિ રચવામાં આવી છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના અમલીકરણ સ્વરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરની 235 સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોની ફી નક્કી કરવા માટે કમિટીનું ગઠન કરવામાં આવેલું છે. ખાનગી કોલેજમાં વિદ્યાર્થીની કોર્ષ વાઈઝ ફી રૂ.50,000થી લઈને રૂ.2.50 લાખ સુધીની છે. FRCની પ્રથમ બેઠકમાં તમામ કોલેજો પાસેથી તેમના ગત વર્ષના આવક અને ખર્ચના ઓડિટેડ રિપોર્ટ મંગાવવાનો નિર્ણય કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી કોલેજોમાં ફીનું ધોરણ ઊચું હોવા છતાંયે વિદ્યાર્થીઓને પુરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. ખાનગી કોલેજમાં જે રીતે વિદ્યાર્થીઓ પાસેથી વર્ષે લાખો રૂપિયાની ફી ઉઘરાવે છે તેની સામે લાયકાત ધરાવતા અધ્યાપકો હોતા નથી અને રેગ્યુલર લેક્ચર પણ લેવામાં આવતા નથી. કોમ્પ્યુટર અને સાયન્સ લેબ સહિતની ભૌતિક સુવિધાઓમાં પણ કચાશ જોવા મળે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ખાનગી કોલેજો દ્વારા લાખો રૂપિયાની ફી ઉઘરાવી વિદ્યાર્થીઓને સામે એ પ્રકારની સુવિધાઓ આપતી નથી. કોલેજો દ્વારા ટ્યુશન ફી ઉપરાંત એડિશનલ ચાર્જ લેવામાં આવે છે જેની સામે વર્ગખંડોમાં સુવિધા હોતી નથી, આ ઉપરાંત લેબ અને લાઇબ્રેરીની ફેસીલીટી પણ ઘણી જગ્યાએ હોતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ ગામડેથી ભણવા માટે આવતા હોય છે તેઓને પોતાનો ખર્ચ કાઢવા માટે ભણતરની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરવી પડે છે. જોકે ફીમાં વધારો થતા તેઓને ઘણી વખત ભણતર પણ છોડી દેવું પડે છે.. રાજકોટમાં અલગ અલગ કોમર્સ સહિત કોલેજોની ફી એવરેજ રૂ. 50,000થી રૂ.2 લાખ સુધીની છે. અલગ અલગ કોલેજોની ફીમાં આટલો બધો તફાવત શા માટે છે?, શું એ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાયની વિશેષ ઈત્તર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે? જો માત્ર અભ્યાસ જ કરાવતા હોય તો આટલી બધી ફી ન હોવી જોઈએ.