Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી પ્રવેશ માટેની પરીક્ષા 12મી ડિસેમ્બરે લેવાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા. 12મી ડિસેમ્બરે લેવાશે. યુવિનર્સિટીની 16 વિષયની 43 સીટ પર NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) અને GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) ના આધારે પ્રવેશ આપ્યા બાદ હવે 13 એવા વિષયો હતા કે જેમાં નેટ કે જીસેટ પાસ થયેલા વિદ્યાર્થીઓ ન હતા. જેથી આ વિષયોમાં વિદ્યાર્થીઓ માટે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવા માટેનું શેડ્યૂલ યુનિવર્સિટી દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 13 વિષયની 65 સીટ પર પીએચ.ડી.માં પ્રવેશ માટે તા.30 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે બાદ પીએચ.ડી.એન્ટ્રન્સ ટેસ્ટ તા.12 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. જેનું પરિણામ તા.15 ડિસેમ્બરના જાહેર થશે. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન માટેની DRC (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી) તા.20 ડિસેમ્બરના યોજાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના કો -ઓર્ડીનેટર ડૉ. શૈલેષ પરમારે જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી દ્વારા અગાઉ ઓગસ્ટ મહિનામાં જે વિષયોમાં NET અથવા GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ હોય તેઓને પીએચ.ડી.માં એડમિશન માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં 16 વિષયોમાં 43 સીટ ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. જ્યારે 13 વિષયો એવા હતા કે જેમાં નેટ અને જીસેટ પાસ વિદ્યાર્થીઓ ન હતા. જેથી આવા વિદ્યાર્થીઓ માટે હવે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે અન્ય 6 વિષયોની 20 સીટ એવી છે કે જે હવે ખાલી પડી છે તો આ પ્રકારના વિષયોમાં પ્રથમ રાઉન્ડમાં એડમિશન મેળવી શકેલા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં નેટ અથવા જીસેટના માર્કના આધારે પ્રવેશ મેળવી શકશે. જેઓએ પ્રવેશ પરીક્ષા આપવાની નહીં રહે પરંતુ મેરીટના આધારે DRC સમક્ષ બોલાવવામાં આવશે.

પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તા. 20થી 30 નવેમ્બર દરમિયાન https://phd.saurashtrauniversity.edu પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે માટે વિદ્યાર્થીઓએ રૂ. 800 ફી ભરવાની રહેશે. જેમાં 100 માર્કનું MCQ આધારિત પેપર હશે અને તે માટે વિદ્યાર્થીઓને 120 મિનિટનો સમય આપવામાં આવશે. જેમાં 50 માર્કનું રિસર્ચ મેથોડોલોજી અને 50 માર્કનું જે – તે વિષયનું પેપર હશે. કોમ્પ્યુટર બેઇઝ પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે.

Exit mobile version