
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલે બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ, બ્રાન્ચોની પરીક્ષાઓનો પ્રારંભ
રાજકોટઃ શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણરીતે સંપન્ન થયા બાદ શાળાઓમાં હાલ ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે 5 એપ્રિલને બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ અને બ્રાન્ચોની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓ 51 કોર્ષના 51,184 વિદ્યાર્થીઓ આપશે. આ માટે 132 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભૂતકાળમાં એક સાથે બબ્બે પેપર લીક થયા બાદ સત્તાધીશો હવે વધુ સાવચેત બન્યા હતા. અને પેપરો ઓનલાઈન મોકલવાનું જાહેર કર્યુ હતું. જોકે તેનું સંપૂર્ણ અમલીકર હજુ સુધી થયું નથી જેથી થોડા પેપરો ઓનલાઈન તો મોટા ભાગના પેપરો ઓફ્લાઈન મોકલવામાં આવે છે. આવતીકાલથી શરુ થતી પરીક્ષામાં 14 કોર્ષના 4,189 જેટલા પેપરો કેન્દ્રો પર ઓનલાઈન મોકલવામાં આવશે. 5 જિલ્લામાં 132 કેન્દ્રો પરથી લેવાનારી પરીક્ષામાં 78 કેન્દ્રો પર જ ઓબ્ઝર્વરની નિમણુક કરાઈ છે. પરંતુ દરેક કેન્દ્રો પર સી.સી.ટી.વી. વેબસાઈટ પર લાઈવ નિહાળી શકાશે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આવતીકાલથી પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા માટે યુનિ. દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે પરીક્ષામાં ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેથી જે-તે કોલેજના પ્રશ્નપત્રોમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અપાયેલા પેપરોમાં કોલેજનો કોડ હશે જેથી પેપર લીક થાય તો કઈ કોલેજમાંથી લીક થયું તે સરળતાથી જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે બે સેશન્સમાં લેવાનારી પરીક્ષામાં પ્રથમ પરીક્ષા સવારે 10.30 થી 1 અને બીજી પરીક્ષા બપોરે 2.30 થી 5 વાગ્યા સુધી એમ બે સેશન્સમાં લેવામાં આવશે.