
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવને પણ લાગ્યુ કોરોનાનું ગ્રહણ, પદવીદાન પણ મુલત્વી રખાશે
રાજકોટઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં વાઈબ્રન્ટ સમિટ સહિતના સરકારી કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ કોરોનાનું ગ્રહણ લાગતા જ ચાલુ માસમાં આયોજિત કરાયેલો યુવક મહોત્સવનને રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પદવીદાન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારા યુવક મહોત્સવ પર કોરોનાનું ગ્રહન લાગી ગયું છે. અને યુનિ.ના સત્તાધિશો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આગામી તા. 1 ફેબ્રુઆરીના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાનારો પદવીદાન સમારોહ વર્ચ્યુઅલ યોજવો કે નહીં ? તે અંગે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યુ છે. યુનિ.ના આ પદવીદાન સમારોહમાં ઉચ્ચ ગુણાંક હાંસલ કરનારા 125 તેજસ્વી છાત્રોને ગોલ્ડ મેડલ તેમજ વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને પદવી આપવા અંગેની તૈયારીઓ યુનિ. દ્વારા આરંભી દેવામાં આવી હતી. પરંતુ કોરોનાના કેસમાં વધારો થતાં હાલ તો પદવીદાન કાર્યક્રમ રદ કરવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. પણ જો સરકાર મંજુરી આપશે તો વર્ચ્યુઅલ પદવીદાન યોજવામાં આવશે.
આ અંગે યુનિ.ના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી વકરતા સરકારની ગાઈડલાઈન મુજબ યુનિ. દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓને ફરજીયાત વેક્સીનેશન લેવાની રહેશે. તેમજ યુનિ. દ્વારા ચાલુ માસમાં આયોજીત કરાયેલ યુવક મહોત્સવ પણ મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતાં કેસને લીધે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ પતંગ મહોત્સવ સહિતના કાર્યક્રમો રદ કરી નાખવામાં આવ્યા છે. જેના પગલે સરકારની ગાઈડલાઈન મુજબ યુનિ. દ્વારા પણ તાબડતોબ યુવક મહોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.