- એથલેટિક્સની 26 ઇવેન્ટમાં 5 જિલ્લાના 400 ખેલાડીઓ ભાગ લેશે,
- વિજેતાઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ શકશે,
- વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ મેડલ પહેરાવી સન્માનિત કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ મહોત્સવનો કુલપતિના હસ્તે પ્રારંભ કરાશે. ત્રિદિવસીય યોજાનારી આ એથ્લેટિક્સ ગેમમાં 26 ઇવેન્ટમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 54મા ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. 10મી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ખેલ મહોત્સવમાં વિવિધ કોલેજોના 400 ખેલાડીઓ ભાગ લેશે, યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સ્પર્ધા સ્થળ પર જ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. જ્યારે આ વિજેતા ખેલાડીઓમાંથી ક્વોલીફાય થનારા ખેલાડીઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલાશે. જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી યુનિવર્સિટીને મેડલ અપાવે તેવી આશા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, 10થી 12 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. જેમાં 26 ઇવેન્ટમાં 400થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં જે ક્વોલિફાય થશે તેઓ ઓલ ઇન્ડિયા સ્પર્ધા રમવા માટે મેંગ્લોરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. ખેલાડીઓ એથ્લેટિક્સની આ અલગ અલગ ઇવેન્ટમાં ખુબ જ સારુ પરફોર્મન્સ આપી મેડલ લાવવા માટે તત્પર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી દ્વારા 10 ડિસેમ્બરના વાર્ષિક ખેલકૂદ મહોત્સવને ખૂલ્લો મૂકવામાં આવશે. જેમાં માર્ચ પાસ્ટ, મશાલ રિલે, બેસ્ટ એથ્લેટ્સ અને મેડલ સેરેમની જેવી અલગ અલગ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા દરમિયાન જ પરિણામ જાહેર કરી અને ખેલાડીઓને સ્થળ ઉપર જ મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવશે. 54મા ખેલકૂદ મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન એટલેટિક્સમાં ભાઈઓ અને બહેનોમાં 100, 200, 400, 800, 1500, 5000 અને 10000 મીટર દોડ, હાફ મેરેથોન, 20 કિલોમીટર વોક, ગર્લ્સ માટે 100 તો બોયઝ માટે 110 મીટર હર્ડલ્સ, 400 મીટર હર્ડલ્સની ઇવેન્ટ યોજાશે. આ ઉપરાંત લોંગ જમ્પ, ત્રીપલ જમ્પ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવલીન થ્રો, હેમર થ્રો, હેપ્ટાથોન, ડેકાથોન, સ્ટીપલ ચેઝ, 4*100 મીટર રિલે, 4*400 મીટર રિલે અને 4*400 મીટર મિક્સ રિલે એમ કુલ 26 ઇવેન્ટ યોજાશે.

