અમદાવાદ, 23 માર્ચ 2026: School van-rickshaw fares will not be increased મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. ત્યારે બાળકોને શિક્ષણ આપવું પણ મોંઘું પડી રહ્યું છે. દર વર્ષે નવા શૈક્ષણિક સત્રથી પાઠ્ય પુસ્તકો, નોટબુક સહિત સ્ટેશનરી અને સ્કૂલવેન-રિક્ષાના ભાડામાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વેન-રિક્ષાના ભાડામાં વધારો ન કરવાનો અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વાલીઓને મોટી રાહત થશે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્ર દરમિયાન અત્યારે જે ભાડું ચાલે છે તે જ ભાડું યથાવત રહેશે. જેથી મોઘવારી વચ્ચે વાલીઓને આર્થિક ભારમાંથી રાહત મળશે. જો કે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો એસોસિએશન દ્વારા બેઠક બોલાવી વાલીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે.
ઈરાન સામે ઈઝરાઈલ-અમેરિકાના યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. કોમર્શિયલ ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થતાં તેના કારણે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાની જાહેરાત કરાતા વાલીઓને રાહત થઈ છે. તાજેતરમાં એસોસિએશનની જનરલ બેઠક યોજાઈ હતી. જેમાં હાલની મોંઘવારી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એસોના સભ્યોએ સ્કૂલવેન-રિક્ષાના ભાડામાં વધારો ન કરવાનો સુર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પાલડીમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલ ખાતે મળેલી આ બેઠકમાં સહમતિથી એવો નિર્ણય લેવાયો છે કે નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે. ગઈ તા. 11 જૂન 2024ના રોજ જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા, તે જ દર યથાવત રાખવામાં આવશે. આ વર્ષે વાલીઓ પર આર્થિક ભારણ ન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જો યુદ્ધની સ્થિતિ વચ્ચે CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એકવાર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ RTO ના નિયમનું પાલન કરીને તમામ કાગળ સાથે રાખવાની પણ સ્કૂલ વર્ધીના ચાલકોને સૂચના પણ આપવામાં આવી છે.

