Site icon Revoi.in

અમદાવાદના S P રિંગ રોડ પર ડમ્પરની ટક્કર બાદ સ્કૂટરમાં આગ લાગી, ચાલકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક SP રિંગ રોડ પર સરદાર ધામ પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરની ટાંકીમાંથી લીક થયેલા પેટ્રોલને લીધે આગ લાગતા એક્ટિવા અને ડમ્પરમાં પણ આગ પ્રસરી હતી. જેમાં સ્કૂટરચાલક બળીને ભડથુ થઈ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને પાણઈનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પોલીસે ડમ્પરચાલકની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ એક્ટિવાની પેટ્રોલની ટાંકી લીંક થતા અને સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક્ટિવા અને ડમ્પર આગની ચપેટમાં આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારી ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ રવિવારે સાંજના સમયે સરદાર પટેલ રિંગરોડ ઉપર સરદાર ધામની સામે ગ્રીનવુડ રિસોર્ટ તરફ જવાના રોડ પાસે રેતી ભરેલું એક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ડમ્પરની બ્રેક ન વાગતા એક્ટિવાને ટક્કર વાગી હતી. એક્ટિવા ટ્રકના પાછળના ટાયર સાથે ઘસડાતા સ્પાર્ક થતાં પેટ્રોલની ટાંકી લીક થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ડમ્પરની જમણી તરફ નીચેના ભાગે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. એક્ટિવા ડમ્પર નીચે આવી જતા ચાલક આગમાં બળીને ભડથું થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક્ટિવા ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર મામલે મૃતક એક્ટિવા ચાલકની ઓળખ કરવા અંગેની તપાસ હાથ ધરી હતી.