Homeગુજરાતીકાળઝાળ ગરમી: દેશના અનેક શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર, હવામાન વિભાગની ચેતવણી

કાળઝાળ ગરમી: દેશના અનેક શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર, હવામાન વિભાગની ચેતવણી

નવી દિલ્હી, 22 મે 2026: સમગ્ર દેશ હાલમાં સખત અને અસહ્ય ગરમીની ભીષણ ચપેટમાં આવી ગયો છે. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ રેકોર્ડતોડ તાપમાન નોંધાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અને તાજેતરના હીટ ઇન્ડેક્સના આંકડા અનુસાર, દેશના અનેક ભાગોમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશનું બાંદા શહેર 48.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ નોંધાયું છે, જેના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે ઉત્તર ભારતથી લઈને મધ્ય અને પૂર્વ ભારત સુધીના અનેક રાજ્યોમાં ભીષણ હીટ વેવ, ગરમ રાત્રિઓ અને અસહ્ય ઉકળાટભર્યા હવામાનને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

  • મધ્ય પ્રદેશનું ખજુરાહો 47.4 ડિગ્રી ગરમી નોંધાઈ

દેશના અન્ય મુખ્ય ગરમ શહેરોની વાત કરીએ તો, મધ્ય પ્રદેશનું ખજુરાહો 47.4 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનનું શ્રીગંગાનગર 46.5 ડિગ્રી, ચંડીગઢ 46 ડિગ્રી, ઉત્તર પ્રદેશનું ઝાંસી 46 ડિગ્રી, જમ્મુ 46 ડિગ્રી તેમજ આગ્રા, ગ્વાલિયર અને કોટામાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ પારો 44 થી 45 ડિગ્રીની આસપાસ સ્થિર રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 27 મે સુધી ગરમીનો આ પ્રકોપ યથાવત રહેશે. હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ગંભીર હીટ વેવની સ્થિતિ બનેલી રહેશે, જ્યારે પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ આ જ સમયગાળા દરમિયાન તીવ્ર લૂ ચાલવાની આશંકા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂ ફેંકાશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, બિહાર, તેલંગાણા, ઝારખંડ અને ઓડિશામાં પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી હીટ વેવની કડક ચેતવણી જારી કરવામાં આવી છે. અરે, પહાડી વિસ્તારો ગણાતા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગો પણ લૂની ઝપેટમાંથી બચી શક્યા નથી.

  • રાત્રિના સમયે પણ લોકોને રાહત નહીં મળે

ગરમીની આ આફત માત્ર દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાત્રિના સમયે પણ લોકોને રાહત મળવાની નથી. ઓડિશા, ઉત્તર પ્રદેશ, વિદર્ભ, બિહાર, હરિયાણા અને દિલ્હીમાં આગામી દિવસોમાં ગરમ રાત્રિઓની ચેતવણી અપાઈ છે, જ્યાં રાતનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું રહેશે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુમાં અસહ્ય ભેજવાળું વાતાવરણ લોકોને પરેશાન કરશે. તમિલનાડુના 15 થી વધુ જિલ્લામાં તાપમાન 39 ડિગ્રીને પાર થઈ ગયું છે, જેમાં ચેન્નાઈમાં મોસમનું સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં 23 મેથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની આશા છે.

આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને રાહતના સમાચાર આપ્યા છે. પંચના જણાવ્યા અનુસાર, આગામી ૩ થી ૪ દિવસમાં ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડી તરફ આગળ વધવા માટે પરિસ્થિતિઓ સંપૂર્ણ સાનુકૂળ બની રહી છે, જે ટૂંક સમયમાં દેશવાસીઓને ગરમીથી મોટી રાહત અપાવી શકે છે.

  • અડધો દેશ ગરમીમાં શેકાઈ રહ્યો છે

ચોંકાવનારી વાત એ છે કે જ્યાં અડધો દેશ ગરમીમાં શેકાઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ લદ્દાખના જોજિલા પાસની આસપાસના ઊંચા પહાડો પર ગઈકાલે અચાનક બરફની ચાદર બિછાઈ ગઈ હતી. આ કસમેય બરફવર્ષાના કારણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા શ્રીનગર-લદ્દાખ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો છે. આ અચાનક બદલાયેલા હવામાનના કારણે કાશ્મીર ઘાટીના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે આગામી ત્રણ દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular