ઘૂસણખોરી સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ: દેશની સરહદો સીલ કરવા શરૂ થશે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ
નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે એક મોટી જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે સરકાર સરહદ પારથી થતી ઘૂસણખોરી સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવશે. દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને સંપૂર્ણપણે સીલ કરવા અને તમામ ગેરકાયદેસર પ્રવાસીઓને દેશનિકાલ કરવા માટે આ જ વર્ષથી એક વ્યાપક અને અત્યાધુનિક ‘સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવશે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગેરકાયદેસર વસવાટ એ વસ્તી વિષયક ફેરફારો લાવવાનું એક સુનિયોજિત કાવતરું છે અને સરકાર દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને દેશની બહાર હાંકી કાઢશે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સીમા સુરક્ષા બળના પદગ્રહણ સમારોહ 2026ને સંબોધિત કરતી વખતે ગૃહ મંત્રીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશની આશરે 6000 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદો પર એક અભેદ્ય સુરક્ષા ગ્રીડ અમલમાં મૂકવા જઈ રહ્યું છે. સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ આગામી એક વર્ષની અંદર જ બીએસએફને ડ્રોન રડાર અને એડવાન્સ કેમેરા સહિતની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે, જેથી ગેરકાયદે ઘૂસણખોરીને અસરકારક રીતે રોકી શકાય. ગૃહ મંત્રીએ બીએસએફના અધિકારીઓને તાકીદ કરી હતી કે તેઓ ઘૂસણખોરી અને પશુ તસ્કરીના માર્ગોને ઓળખીને તેને કાયમ માટે બંધ કરવા માટે રાજ્ય પોલીસ, જિલ્લા કલેક્ટરો અને ગામના પટવારીઓ (તલાટીઓ) સાથે સીધું સંકલન સાધીને પોતાના ઇન્ટેલિજન્સ નેટવર્કનો વિસ્તાર કરે.
-
BSF વિશ્વનું સૌથી મોટું સરહદ સુરક્ષા દળ
અમિત શાહે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા સરકારો સાથે નીતિગત તાલમેલ સાધીને આ સુરક્ષા ગ્રીડની કામગીરીને સરળ બનાવવામાં આવશે. ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં જ આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવશે. દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ (નક્સલવાદ) ના નાબૂદ થવાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, કોઈપણ સમસ્યાને માત્ર નિયંત્રણમાં લેવી તે સુરક્ષા નથી, પરંતુ તેને જડમૂળથી ખતમ કરવી એ જ સાચો રસ્તો છે.
બીએસએફના અભૂતપૂર્વ યોગદાનની પ્રશંસા કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 1965માં માત્ર 25 બટાલિયન સાથે શરૂ થયેલું આ દળ આજે 2,70,000 જવાનો સાથે વિશ્વનું સૌથી મોટું સરહદ સુરક્ષા દળ બની ગયું છે. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને સર્વોચ્ચ બલિદાન આપનાર બીએસએફના બહાદુર જવાનોને સન્માનિત પણ કર્યા હતા.


