1. Home
  2. ગુજરાતી
  3. પીઓકેનું આંદોલન અને પાકિસ્તાની સેનાની કાર્યવાહીનો મામલો યુએનમાં પહોંચ્યો
પીઓકેનું આંદોલન અને પાકિસ્તાની સેનાની કાર્યવાહીનો મામલો યુએનમાં પહોંચ્યો

પીઓકેનું આંદોલન અને પાકિસ્તાની સેનાની કાર્યવાહીનો મામલો યુએનમાં પહોંચ્યો

0
Social Share

નવી દિલ્હી, 11 જૂન 2026: પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે. મોંઘવારી, બેરોજગારી અને વીજળીના તોતિંગ બિલથી પરેશાન સ્થાનિક નાગરિકો જ્યારે રસ્તા પર ઉતર્યા, ત્યારે પાકિસ્તાની આર્મી અને રેન્જર્સે તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. રાવલાકોટ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને મીરપુર જેવા વિસ્તારો અત્યારે સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયા છે અને ચારેય તરફ ચીસાચીસ અને માતમનો માહોલ છે. સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ અને ફોન લાઈનો બંધ કરી દેવામાં આવી છે. આ ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે, જેમાં ભારતે તાકીદે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

પીઓજેકે માં આ હિંસાની શરૂઆત 5 જૂન 2026ના રોજ થઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રે ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (જેએએસી) નામના નાગરિક સંગઠન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સંગઠન છેલ્લા બે વર્ષથી મોંઘવારી અને લોટના વધતા ભાવ સામે આંદોલન ચલાવી રહ્યું હતું. આંદોલનકારીઓની 38 માંગણીઓમાંથી 37 માંગણીઓ સરકારે સ્વીકારી લીધી હતી, પરંતુ 1947માં ભારતથી પાકિસ્તાન ગયેલા શરણાર્થીઓ માટે આરક્ષિત 12 બેઠકો નાબૂદ કરવાની માંગ પર ગતિરોધ સર્જાયો હતો. જેએએસીનો આરોપ છે કે પાકિસ્તાન આ બેઠકોનો ઉપયોગ પોતાના કઠપૂતળી નેતાઓને વિધાનસભામાં બેસાડવા માટે કરે છે. પ્રતિબંધના વિરોધમાં 6 જૂને એક વેપારીનું પોલીસ ઝપાઝપીમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.

રાવલાકોટની ‘કાળી રાત’ અને મોતનો આંકડો

8 જૂનની રાત્રે રાવલાકોટમાં જેએએસીના સમર્થકો મોટા પાયે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની રેન્જર્સે પ્રદર્શનકારીઓ પર સીધી ગોળીઓ ચલાવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ ઘરોમાં ઘૂસીને પણ ફાયરિંગ કર્યું હતું અને ઘાયલોની વિગતો છુપાવવા હોસ્પિટલો પર કબજો કરી લીધો હતો.

મીડિયા બ્લેકઆઉટને કારણે સચોટ આંકડા મળવા મુશ્કેલ છે, પરંતુ પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં 7 નાગરિક અને 4 પોલીસ કર્મચારી સહિત 11ના મોત થયાં છે અને 70થી વધારે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં છે. જેએએસીએ દાવો કર્યો છે કે, કાર્યવાહીમાં 27થી વધુના મોત અને 200થી વધારે વ્યક્તિઓ ઘાયલ થયાં છે. જ્યારે ગુપ્તચર એજન્સીઓના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 19 બાળકો અને 7 મહિલા સહિત 26 વ્યક્તિના મોત થયાં છે.

ફારુક અબ્દુલ્લા અને ભારત સરકારનું આક્રમક વલણ

કાશ્મીરના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ આ મુદ્દે મૌન તોડતા જણાવ્યું છે કે, “POJK અત્યારે અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાં નિર્દોષ લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે અને ઘણા લોકો શહીદ થયા છે. હું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને અપીલ કરું છું કે તેઓ ત્યાં જઈને પરિસ્થિતિની તપાસ કરે.” બીજી તરફ, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે, “અમે POJK માં પોલીસ બર્બરતાના અહેવાલો જોઈ રહ્યા છીએ. પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે નકલી વીડિયો અને ખોટા પ્રોપેગન્ડાનો સહારો લઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તેના માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવું જોઈએ.” આ સાથે જ કાશ્મીરી કાર્યકર્તા જાવેદ બેગે યુએન મિલિટરી ઓબ્ઝર્વર ગ્રુપને જ્ઞાપન સોંપીને સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

પાકિસ્તાની આર્મીનો ‘ક્રશ એન્ડ એલિમિનેટ’ ઓર્ડર અને વૈશ્વિક પ્રતિક્રિયા

સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાકિસ્તાની સેનાએ JAAC ના નેતાઓને ‘ક્રશ એન્ડ એલિમિનેટ’ (કચડી નાખવાનો અને ખતમ કરવાનો) આદેશ આપ્યો છે. સરહદ પર 14 હજારથી વધુ સૈનિકો તૈનાત કરાયા છે અને મુખ્ય નેતાઓ પર 1કરોડ પાકિસ્તાની રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આ બર્બરતા સામે બ્રિટનમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર વિરોધ પ્રદર્શનો થયા છે અને એમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ પાકિસ્તાનની સખત આલોચના કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code