ગુજરાતમાં રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર
ગાંધીનગર, 11 જૂન 2026 – ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉમેદવારી પાછી ખેંચવાની મહેતલ પૂરી થતા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આજરોજ રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીનાં પરિણામની ચૂંટણી અધિકારી શ્રી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા)દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧ જુન, ૨૦૨૬ના રોજ ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં નામ નિર્દેશન પત્રો ભરવાની છેલ્લી તા. ૮ જુન, ૨૦૨૬ સુધીમાં ચાર ઉમેદવારના નામ નિર્દેશન પત્રો મળ્યા હતાં. જેની ચકાસણી તા. ૯ જુનનાં રોજ કરવામાં આવી હતી અને ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતાં.
આ પ્રક્રિયા અંતર્ગત આજે તા. ૧૧ જુનના રોજ નામ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતાં ચાર બેઠકો સામે ચાર ઉમેદવારો જ હોઈ ચૂંટણી બિનહરીફ થતી હોઈ ચૂંટણી અધિકારીશ્રી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા)એ ઉપરોક્ત તમામ ચારેય ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.
રાજ્યસભાના વિજેતા ઉમેદવારો છેઃ જીતેન્દ્ર કણઝારીયા, માનસિંહ પરમાર, રાજેશ શુક્લ, રાઠવા મુકેશભાઈ.

આ ચૂંટાયેલા ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સભ્યશ્રીઓ (૧) શ્રી રામભાઈ મોકરીયા (૨) શ્રી નરહરી અમીન (૩) શ્રીમતી રમીલાબેન બારા (૪) શ્રી શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે, જેમની મુદત ૨૧ જુન, ૨૦૨૬ના રોજ પૂરી થઈ રહી છે.


