હિંમતનગર, 11 જુન, 2026 : Water pipes burst, roads flooded શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઈપ લાઈન તૂટી જતા પાણી નદીની જેમ રોડ પર વહેવા લાગ્યુ છે. અને રેલવે સ્ટેશનમાં પ્રવેશવાનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
હિંમતનગર શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં બે દિવસ પહેલા પણ પાણીની લાઇન તૂટી હતી. તે સમયે નગરપાલિકા દ્વારા રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ હોવાનું જણાવાયું હતું, પરંતુ મરામતની યોગ્ય કામગીરી ન કરાતા પાઇપલાઇનમાંથી સતત હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું હતું. જે રેલવે સ્ટેશન તરફના માર્ગ પર ફેલાઈ ગયું હતું. રેલવે સ્ટેશનમાં પ્રવેશવાનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
સ્થાનિક લોકોએ આ અંગે નગરપાલિકાને જાણ કરી હતી, પરંતુ શરૂઆતમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. પાણીનો પ્રવાહ બંધ થયા બાદ નગરપાલિકા દ્વારા જેસીબી સાથે આવીને રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાણીના પ્રેશરના કારણે પાઈપલાઈન તૂંટી હોવાનું કહેવામાં આવ્યુ છે. પાઈપલાઈન તૂટતા હજારો લિટર પાણી રોડ પર ફેલાયુ હતું. તેમજ પાંચબત્તી વિસ્તારમાં પાણી પુરવઠો પણ ઠપ થયો હતો.


