ગુજરાતમાં આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમી, કચ્છ અને પોરબંદરમાં 45 ડિગ્રીની આગાહી
અમદાવાદઃ ગુજરાતભરમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સૂર્યનારાયણના ઉગ્ર મિજાજથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. અસહ્ય ગરમીથી જનજીવન ભારે પ્રભાવિત બન્યુ છે. ગઈકાલે જ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, પાટણ સહિતના સ્થળોએ ચાલુ સીઝનની સૌથી વધુ તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠયા હતા . રાજકોટમાં ગઈકાલે ચાલુ સીઝનની સૌથી વધુ 43.9 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે. કે, કચ્છ અને પોરબંદરમાં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત થવાની શક્યતા નથી.
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 43.5 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી, ભૂજ 43, કંડલા-44 ડિગ્રી, અમરેલી-44 ડિગ્રી, સુરેન્દ્રનગર અને કેશોદ 43 ડિગ્રી, ઉપરાંત ગાંધીનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. આમ 44 ડીગ્રી નજીક તાપમાન પહોંચી જતા લોકો આકુળ-વ્યાકુળ બની ગયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હોટ સીટી જૂનાગઢ રહેવા પામ્યુ હતુ અને અત્રે 44.2 ડીગ્રી તાપમાનથી લોકો તોબા પોકારી ઉઠયા હતા.
રાજયભરમાં હાલમાં ચાલી રહેલા હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે રાજયસરકારે માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવા જણાવાયું છે. તેમજ લોકોએ ગરમીથી બચવા ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું. વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત લેવું જોઇએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ન ખાવાની અપીલ કરવામાં આવી છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

