ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે. રાજ્યમાં
શિક્ષણનું સ્તર સુધારવા માટે ત્રિસ્તરીય રણનીતિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પદ્ધતિસર અને સ્ટ્રકચરલ (માળખાકીય) સુધારા કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. ચાલુ માસના અંતે યોજાનારી ચિંતન શિબિરમાં શિક્ષણક્ષેત્ર પર ચિંતન કરવામાં આવશે. અને બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટેનો રોડમેપ તૈયાર કરવાની વિચારણા કરાશે
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આ મહિનાના અંતમાં યોજાનારી ચિંતન શિબિરમાં ચર્ચા માટે સામેલ થીમમાં સ્ટ્રકચરલ તથા સિસ્ટેમેટીક સુધારાઓને આવરી લેવામાં આવ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણમાં પદ્ધતિસરના સુધારા સુચવાશે. જયારે માળખાગત સુધારામાં મિશન સ્કુલ ઓફ એકસેલેન્સ તથા સોશ્યલ પાર્ટનરશીપ મોડલ ઓફ સ્કુલીંગની ભૂમિકા રહેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર શૈક્ષણિક સિસ્ટમના ગવર્નન્સ તથા મોનીટરીંગમાં મુખ્ય ભૂમિકા ભજવશે. મિશન સ્કુલ ઓફ એકસેલેન્સ સરકારી શાળાઓના કાયાકલ્પ તથા શિક્ષણનું સ્તર સુધારવાની દિશામાં રોલ ભજવશે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યાન્વિત જ છે અને રાજયની સરકારી સ્કુલોમાં વિદ્યાર્થીઓની હાજરી, તેઓના શૈક્ષણિક સ્તરનું આકલન તથા વહીવટ વગેરે પાસાઓનું મોનીટરીંગ કરે છે. 2022માં જાહેર વહીવટમાં એકસલન્સનો વડાપ્રધાનનો એવોર્ડ પણ આ પ્રોજેકટ માટે મળ્યો હતો. આ મોડલને પોતપોતાના રાજયમાં લાગુ પાડવા માટે વિવિધ રાજયોના પ્રતિનિધિમંડળો પણ મુલાકાત લઈ ચુકયા છે.
મિશન સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેકટ વિશે શિક્ષણ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરકારી શાળામાં દરેક વર્ગ માટે અલગ કલાસ તથા દરેક કલાસ-વિષય માટે અલગ શિક્ષકની કટીબદ્ધતા છે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હોવાથી તે શકય બની શકતુ નથી. 5000 માધ્યમિક તથા 15000 પ્રાથમિક મળીને 20000 સરકારી શાળાઓના કાયાકલ્પ થકી શિક્ષણનું સ્તર સુધારવાનો ઉદેશ છે. સામાજિક ભાગીદારી મોડલમાં વિવિધ યોજનાઓ સામેલ કરવામાં આવી છે. બે લાખ વિદ્યાર્થીઓની નોંધણીમાં જ્ઞાન સેતૂ સ્કુલ, દોઢ લાખ વિદ્યાર્થીઓ હોય ત્યાં જ્ઞાનશક્તિ નિવાસી શાળા, એક લાખ વિદ્યાર્થી ભણતા હોય ત્યાં જ્ઞાન સાધના સ્કુલ તથા આરટીઈ કાયદા જેવા ચાર ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ યોજનાઓમાં 6 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. રાજયમાં 54000 સ્કુલોમાં 1.15 કરોડ બાળકો નોંધાયેલા છે. શિક્ષણ વિભાગે તૈયાર કરેલા રીપોર્ટ મુજબ રાજયમાં ચાર લાખ શિક્ષકો છે.