રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રિનિંગની કામગીરી શરૂ, મુસાફરોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું
- કોરોનાને લઈને આરએમસી સતર્ક
- મુસાફરોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું
- કોરોના ફરીવાર ન ફેલાય તે માટેના પગલા
રાજકોટ: દિવાળીના તહેવાર અંતર્ગત લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે જતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, તેમજ એરપોર્ટ ખાતે સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બહારથી આવતા મુસાફરોનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર માપવામાં આવે છે.
જો તેમનામા શંકાસ્પદ ચિન્હો જણાય તો તેમનો સ્થળ પર જ એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેમજ યાત્રિકો પાસેથી તેમણે વેક્સિન ના બંને ડોઝ લીધા છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવવામાં આવે છે. જે પણ યાત્રી કોઈ વ્યક્તિના બંને ડોઝ ન લીધા હોય અને તેઓના નામ તેમજ રહેણાંક નું સરનામું સહિતની માહિતી મેળવવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં મહાનગર પાલિકાની ટીમ તેમના ઘરે પહોંચી વ્યક્તિને આપવાના બાકી રહેતા વેક્સિન ના ડોઝ આપશે.
ઉલ્લેખનીય છે કે તહેવારના સમયે લોકોની અવરજવર વધી છે, માર્કેટમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. આવામાં કોરોનાને લઈને લોકો વધારે બેદરકાર ન બને અને ફરીવાર કોરોનાના કેસમાં ઉછાળો ન આવે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.