1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO
ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

0
Social Share

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ Jan Aakrosh Yatra in Gujarat ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર સામે જનઆક્રોશ યાત્રા શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગત નવેમ્બરમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રા બાદ પક્ષ હવે આગામી 20 ડિસેમ્બરથી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની યાત્રા શરૂ કરશે.

આ અંગે આજે કોંગ્રેસના વડામથક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ માહિતી આપી હતી કે, બીજા તબક્કાની કોંગ્રેસની જનઆક્રોશ યાત્રામાં મધ્ય ગુજરાતના સાત જિલ્લા- ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર તથા દાહોદને આવરી લેવામાં આવશે.

તુષાર ચૌધરી, મનીષ દોષી, હેમાંગ રાવલ, અમીત નાયક તથા હિરેન બેન્કર સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં અમિતભાઈ ચાવડાએ કહ્યું કે, ફાગવેલથી શરૂ થઈને કંબોઈ (લીમખેડા તાલુકો) ખાતે સમાપન થનારી આ યાત્રામાં લગભગ 1400 કિ.મી.નો વિસ્તાર આવરી લેવામાં આવશે.

કોંગ્રેસના નેતાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરતાં કહ્યું કે, રાજ્યમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ ઉકેલવામાં રાજ્ય સરકારને રસ નથી. મનરેગામાં ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે અને છતાં અનેક લોકો સામે કાર્યવાહી થઈ નથી. આ પ્રશ્ને જે લોકો લડી રહ્યા છે તેમની વચ્ચે કોંગ્રેસ જશે અને તેમના પ્રશ્નોને વાચા આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રથમ યાત્રાનો મુખ્ય આશય ખેડૂતોના દેવાં સંપૂર્ણ માફ કરવાની કોંગ્રેસની માગણીને ધરતીપુત્રો સુધી પહોંચાડવાની હતી અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ પણ અમારી એ માગણીને સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસની પ્રથમ જનઆક્રોશ યાત્રા સંદર્ભે અમિત ચાવડાએ કહ્યું કે, એ યાત્રા દરમિયાન ઉત્તર ગુજરાતના અનેક લોકોએ જાહેરમાં આક્રોશ વ્યક્ત કરવાની હિંમત કરી હતી. ભાજપની સરકારે ત્રણ દાયકાથી અંગ્રેજોની નીતિ-રીતિ પ્રમાણે લોકોનો અવાજ દબાવી રાખ્યો હતો, પરંતુ કોંગ્રેસે એ લોકોના અવાજને વાચા આપવા પહેલ કરી હતી. આવું જ પરિણામ હવે બીજા તબક્કાની મધ્ય ગુજરાતની જનઆક્રોશ યાત્રામાં જોવા મળશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ગુજરાતમાં આજે દારુ અને ડ્રગ્સના દૂષણે માઝા મૂકી છે અને કોંગ્રેસ તેને સંપૂર્ણ નાબૂદ કરવા સંઘર્ષ કરે છે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે નિમણૂક

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code