વડોદરાઃ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં સુરક્ષાની દૃષ્ટિએ મંદિર પરિસરમાં ખાસ તપાસ કરવામાં આવી હતી.
આ સઘન સુરક્ષા તપાસ DYSP વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે નિજ મંદિર પરિસર સહિતના સંવેદનશીલ સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચેકિંગમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો જોડાઈ હતી.
સંયુક્ત ટીમોએ મંદિર પરિસર અને નિજ મંદિર, પાર્કિંગ ઝોન, ભક્તિ માર્ગ, આસપાસના જાહેર વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
પોલીસે દર્શનાર્થીઓને પણ જાહેર સ્થળોએ સતર્કતા રાખવા અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી. પાવાગઢ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.

