Site icon Revoi.in

અમદાવાદમાં સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 9.40 લાખ પડાવ્યા

Social Share

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2026,  સાયબર માફિયાઓએ અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિઝિટલ એરેસ્ટ કરીને 9.40 લાખ પડાવ્યા બાદ વધુ નાણાની માગણી કરતા સિનિયર સિટીઝન બેન્કમાં આરટીજીએસથી રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે બેન્કમાં ગયા હતા. પણ બેન્કના મેનેજરે ગભરાયેલા સિનિયર સિટીઝનને જોતા જ શાંતિથી બેસાડીને પૂછતાછ કરતા ડિજિટલ એરેસ્ટની જાણ થતાં જ બાકીના રૂપિયા 6 લાખ ટ્રાન્સફર કરતા બચાવ્યા હતા. અને આ અંગેની સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં સિનિયર સિટીઝન અને વૃદ્ધ નાગરિકોને સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટ માટે સતત ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે વધુ એક સિનીયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. સિનીયર સિટીઝનને  સાયબર ગઠિયાઓએ મની લોન્ડરીંગ કેસમાં નામ હોવાનું કહીને 9.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ બીજા 6 લાખ ટ્રાન્સફર કરવા ગયા ત્યારે બેંક મેનેજરે તેમને ટ્રાન્સફર કરતા અટકાવ્યા અને તેમની સાથે થયેલા ફ્રોડ અંગે જાણ કરી હતી. જેથી વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા 81 વર્ષીય સિનીયર સિટીઝન તેમના પત્ની સાથે નિવૃત્ત જીવન ગુજારે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. ત્રણેય વિદેશમાં રહે છે. 3 ફેબ્રુઆરીના રોજ સિનીયર સિટીઝનને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે. જે બાદ વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો હતો. જેમાં વાતચીત કરનાર વ્યક્તિઓ પોતે મુંબઈ પોલીસથી બોલતા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે નરેશ ગોયલે કરેલા 500 કરોડમાં ફ્રોડમાં તમારું નામ છે. તેની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. આ એક સિક્રેટ છે જેથી તમે તમારા ફેમિલી અને બાળકોને જણાવશો નહીં. તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં છે જેથી તમારી સામે એરેસ્ટ વૉરંટ ઇશ્યૂ કરેલું છે, પરંતુ તમે વૃદ્ધ છો જેથી તમને એરેસ્ટ કરવામાં નહીં આવે તમે તપાસમાં સહકાર આપજો. તમારી આસપાસ સિવિલ ડ્રેસમાં માણસો ફરે છે. તમે પૂછ્યા વગર ક્યાંય જશો નહીં અને પરમિશન વગર તમે વોકિંગ માટે પણ નહીં જઈ શકો.

સાયબર માફિયાઓએ સિનીયર સિટીઝનને ડરાવીને તેમની પાસેથી તેમના બેંકની વિગત મેળવી લીધી હતી.જેમાં તેમના બેંકમાંથી 6.50 લાખ અને 2.90 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા વૃદ્ધે ટ્રાન્સફર કર્યા હતા. વૃદ્ધ પાસેથી 6 લાખનું બીજું આરટીજીએસ કરવાનું કહેતા વૃદ્ધ બેંકમાં ટ્રાન્સફર કરવા ગયા ત્યારે બેંક મેનેજરને શંકા ગઈ હતી.બેંક મેનેજરે તપાસ કરી ત્યારે વૃદ્ધ સાથે ફ્રોડ થયા હોવાની વૃદ્ધને જાણ કરી હતી.આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Exit mobile version