નવી દિલ્હી: મેક્સિકોના ઉરુઆપનના મેયર કાર્લોસ માનસોની 1 નવેમ્બરના રોજ તેમના પરિવારની સામે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમના પોતાના સાત બોડીગાર્ડ્સ આ હત્યામાં સામેલ હતા.
આ સાત ગાર્ડ સક્રિય પોલીસ અધિકારીઓ હતા અને હત્યા પછી પણ ફરજ પર હતા. મેયરની હત્યા બાદ, તેમની પત્નીને મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ગાર્ડ્સને તેમની પત્નીની સુરક્ષા માટે સોંપવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
હત્યા સમયે, 17 વર્ષના છોકરાએ મેયર પર ગોળીબાર કર્યો હતો અને મેયરના ગાર્ડ્સએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તપાસમાં હવે ખુલાસો થયો છે કે તે છોકરો ફક્ત એક પ્યાદુ હતો, અને વાસ્તવિક કાવતરું મેયરની પોતાની સુરક્ષા ટીમ અને ડ્રગ માફિયા દ્વારા ઘડવામાં આવ્યું હતું.
આ હત્યાનો મુખ્ય સૂત્રધાર જોર્જ આર્માન્ડો ઉર્ફે “એલ લાઇસન્સિયાડો” છે, જેની ધરપકડ કરવામાં આવી હતી અને તે જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલનો નેતા હોવાનું કહેવાય છે.

