Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં પાણીની વિકટ સમસ્યા, 15 જેટલી સોસાયટીના રહિશો રસ્તા પર ઉતર્યા

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીને કારણે પાણીની સમસ્યા વિકટ બની છે. શહેરના 80 ફુટ રોડ પર આવેલી 10થી 15 સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની અનિયમિતતાથી લોકો ત્રાસી ગયા છે. આ ઉપરાંત વઢવાણના શહેરી વિસ્તારોમાં 3થી 4 દિવસે પાણી આપવામાં આવે છે. પાણી વિતરણમાં કેટલા વિસ્તારોમાં નળ વાટે ડહોળું પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોને શુદ્ધ પાણી મળે તેવી માગ કરી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં 80 ફુટ રોડ પરની 15 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી નિયમિત પાણીનું વિતરણ ન થતાં મહિલાઓ વિફરી હતી. અને શહેરના ઉપાસના સર્કલ પાસે મહિલાઓ સહિત સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ ગંદા પાણી અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે મ્યુનિમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આખરે મ્યુનિના એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ટૂંક સમયમાં પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.

આ ઉપરાંત વઢવાણના શહેરી વિસ્તારોમાં 3થી 4 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે.પાણી વિતરણમાં કેટલાક વિસ્તારોમાં નળ વાટે ડહોળું પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોને શુદ્ધ પાણી મળે તેવી માગ કરી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં હાલ પાણીજન્ય રોગોના કારણે બાળકો સહિતના લોકો તાવ, ટાઇફોડ, ઝાડા-ઊલટી, કમળાના રોગમાં સપડાઇ રહ્યા છે. તેમાંય શહેરી વિસ્તારોમાં 3થી 4 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે મજૂરીએ કે કામધંધે ગયેલી મહિલાઓને આટલા દિવસોનું પાણી સંગ્રહ પણ કરવો પડી રહ્યો છે. પરંતુ આ પાણી પણ નળવાટે કેટલીક વાર ગંદુ અને પીવાલાયક ન આવતા મહિલા સહિતના રહીશોમાં રોષ ફેલાયો છે.