
શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં
મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં હતા. EDની તપાસ ઉપનગરીય ગોરેગાંવમાં ચાલ અથવા મકાનોના પુનઃવિકાસ સંબંધિત રૂ. 1,034 કરોડની કથિત નાણાકીય ગેરરીતિઓ સામે આવી હતી. સિદ્ધાર્થ નગર, જેને પાત્રા ચાલ તરીકે ઓળખવામાં આવે છે, તે ગોરેગાંવમાં 47 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 672 પરિવારો ભાડે રહેતા હતા.
2008માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ HDIL (હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) ની પેટાકંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ (GACPL)ને ચાલના પુનર્વિકાસનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. GACPL ભાડે રહેતા પરિવારો માટે 672 ફ્લેટ અને કેટલાક ફ્લેટ મ્હાડાને બાંધવાના હતા. જો કે, ED મુજબ, ભાડે રહેતા પરિવારોને છેલ્લા 14 વર્ષમાં એક પણ ફ્લેટ મળ્યો નથી કારણ કે કંપનીએ પાત્રા ચાલનો પુનર્વિકાસ કર્યો નથી. તેણે આ જમીન પાર્સલ અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સને (FSI) રૂ. 1,034 કરોડમાં વેચી દીધી હતી.