નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2026: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક સ્થળોએ ડુંગળીના ભાવ વધારાને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ડુંગળીની વધતી કિંમતો માટે સીધા જ વચેટિયાઓને જવાબદાર ઠેરવ્યા છે. ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એવી વ્યવસ્થા વિકસાવવાની તાતી જરૂર છે, જેથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે અને ગ્રાહકોને પણ મોંઘવારીનો બોજ ન સહન કરવો પડે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ડુંગળીના ખુલ્લા બજારના ભાવ રૂ. 60 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી જતાં કેન્દ્ર સરકારે બફર સ્ટોકબજારમાં જારી કર્યો છે.
કૃષિ મંત્રીએ કૃષિ વિપણન પ્રણાલીમાં વચેટિયાઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભૂતકાળની સ્થિતિ યાદ અપાવતા કહ્યું કે થોડા મહિના પહેલા સ્થિતિ એકદમ વિપરીત હતી, જ્યારે મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ તૂટીને રૂ. 7થી રૂ. 8 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા હતા. તે સમયે ખેડૂતોને પોતાના ઉત્પાદનનો ખર્ચ પણ નહોતો મળતો, ત્યારે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદી કરવી પડી હતી.
હાલમાં મોટાભાગના ખેડૂતો પોતાનો સ્ટોક વેચી ચૂક્યા છે, પરંતુ બજારમાં ખુલ્લા ભાવ રૂ. 60 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ચૌહાણે સવાલ કર્યો, “શું ખેડૂતોને તેમની મહેનતનો પૂરો ભાવ મળે છે? શું વચેટિયાઓને આટલો નફો કમાવવાનો અધિકાર છે? સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે.”* દિલ્હીમાં યોજાયેલા એક ઉદ્યોગ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે ઉદ્યોગ જગતને પણ ખેડૂતો અને ગ્રાહકો બંનેના હિતોનું રક્ષણ કરતી વ્યવસ્થા બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી. આ માટે સરકારે એક વિશેષ ટીમની પણ રચના કરી છે.
-
ખાદ્ય સુરક્ષા અને આધુનિક ખેતી પર ભાર
વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા વૈશ્વિક ઘટનાક્રમોને જોતાં ભારત ખાદ્ય સુરક્ષાના મામલે કોઈ અન્ય દેશ પર નિર્ભર રહી શકે નહીં. તેમણે જમીનની તંદુરસ્ત સુધારણા માટે રસાયણો અને ખાતરોના સંતુલિત ઉપયોગ, જળ સંરક્ષણ, સંકલિત ખેતી, પ્રાકૃતિક કૃષિ અને ક્લાઈમેટ-સ્માર્ટ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ, કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોના ખેતરોમાં જઈને તેમની સમસ્યાઓ સમજીને તે મુજબ જ સંશોધન કાર્યક્રમો તૈયાર કરવા નિર્દેશ અપાયા છે. ચૌહાણે ઉદ્યોગ જગતને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડનો ઉપયોગ ખેડૂતોની ક્ષમતા નિર્માણ અને કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ માટે કરવા આહ્વાન કર્યું હતું.


