1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પો માટે તડામાર તૈયારીઓ, મહેમાનો માટે 125 ફોર-ફાઈવ સ્ટાર હોટલો બુક કરાઈ
ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પો માટે તડામાર તૈયારીઓ, મહેમાનો માટે 125 ફોર-ફાઈવ સ્ટાર હોટલો બુક કરાઈ

ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પો માટે તડામાર તૈયારીઓ, મહેમાનો માટે 125 ફોર-ફાઈવ સ્ટાર હોટલો બુક કરાઈ

0
Social Share

અમદાવાદઃ  ગાંધીનગર ખાતે આગામી તા. 10થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ, એરફોર્સ અને નેવી ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી સિસ્ટમ પર આધારિત સંસાધનોના પ્રદર્શનની સાથે હથિયાર બનાવતી વિદેશી કંપનીઓ પણ ભાગ લેશે. આ ઈવેન્ટમાં વિશ્વના 63થી વધુ દેશના મહાનુભાવો અને ડિફેન્સ અધિકારીઓ લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિફેન્સ એકસ્પોમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી અમદાવાદ અને ગાંધીનગરની તમામ થ્રી સ્ટાર, ફોર સ્ટાર તેમજ ફાઈવ સ્ટાર મળી 125થી વધુ હોટેલો મહેમાનો માટે બુક કરી દેવાઈ છે. મહાનુભાવોને લાવવા લઈ જવા માટે ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ જેવી લક્ઝુરિયસ કાર, 27 સીટરથી લઈ 50 સીટર સુધીની એસી બસો મળી 3200 વાહનોનો કાફલો તૈયાર રખાયો છે. પ્રદર્શનમાં ભાગ લેવા માટે 973 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. રક્ષા મંત્રાલયના નેતૃત્વમાં યોજાનાર આ એકસ્પોમાં 10થી 12 માર્ચ દરમિયાન ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં પ્રદર્શન, મહાત્મા મંદિરમાં સેમિનાર અને બિઝનેસ મિટિંગ યોજાશે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક તેમજ વિદેશી હથિયાર ઉત્પાદક કંપનીઓ અને સરકારી એજન્સીઓ વચ્ચે બિઝનેસ સેમિનાર તેમજ એમઓયુ થશે. 13 અને 14 માર્ચે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો માટે લાઈવ પ્રદર્શન યોજાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આ ડિફેન્સ એકસ્પો લગભગ 1 લાખ વર્ગ મીટર વિસ્તારમાં યોજાશે. જેમાં વિશ્વના 50થી વધુ દેશો ઉપરાંત 973થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ હથિયારોનું પ્રદર્શન કરશે. એકસ્પોમાં ભારતના લોકોના ઈતિહાસ, સંસ્કૃતિ અને તેમની ઉપલબ્ધિઓને પણ પ્રદર્શિત કરાશે. આ એક્સપોથી ગુજરાતમાં રક્ષા નિર્માણ સાથે જોડાયેલા ઉદ્યોગમાં રોકાણ વધે તેવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડિફેન્સ એક્સ્પોમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, રક્ષા અધિકારીઓ તેમજ અન્ય નેતાઓ ભાગ લેવાના છે ત્યારે આ તમામ મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર પહોંચે ત્યાંથી લઈ એક્સ્પો સ્થળ સુધી આવવા જવાના તમામ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા વધારાશે. એરપોર્ટ પર આવતા મહેમાનોને અગવડ ન પડે તે માટે પોલીસ તેમજ સરકારી અધિકારીઓની ટીમ તહેનાત કરાશે. વધુમાં એરપોર્ટ પર તેમજ અન્ય માર્ગો પર સરકાર દ્વારા અત્યારથી જ ડિફેન્સ એક્સ્પોને લઈ બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. જો કે કોરોનાના કેસ વધતાં સમિટ રદ કરાઈ હતી. જો કે હવે કેસ ઘટતાં માર્ચમાં યોજાનાર ડિફેન્સ એકસ્પો સફળતાપૂર્વક યોજાય તે માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. (file photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code