Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો: ડોક્ટર મોડ્યુલ હમાસની વ્યુહરચના અપનાવી રહ્યું હતું

Social Share

નવી દિલ્હીઃ લાલકિલ્લા બોમ્બ વિસ્ફોટ કેસમાં તપાસ આગળ વધતી જતા અનેક ચોંકાવનારા બનાવો બહાર આવી રહ્યા છે. એનઆઈએને એવા મહત્વપૂર્ણ વીડિયો મળ્યા છે, જે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને ફિલિસ્તીની આતંકી ટીમ હમાસ વચ્ચેનાં ઊંડા અને કાર્યાત્મક સંબંધોને ઉજાગર કરે છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ મુજબ આ સંપૂર્ણ કાવતરાની સ્ક્રિપ્ટ ફેબ્રુઆરીમાં જ તૈયાર કરી દેવાઈ હતી, જો કે, હવે આ નેટવર્ક એક પછી એક ખુલ્લું પડી રહ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે જૈશ-એ-મોહમ્મદનું વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ હમાસની વ્યૂહરચના અપનાવી રહ્યું હતું.

એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલનું નેટવર્ક કાશ્મીરથી લઈને હરિયાણા સહિત ઘણા રાજ્યો સુધી ફેલાયું હતું. હથિયારોના પરિવહન માટે ડ્રોનનો ઉપયોગ કરવો, હોસ્પિટલને હથિયારોના સ્ટોરેજ તરીકે વાપરવી, આ બધું હમાસના આતંકી મેન્યુઅલ સાથે મેળ ખાતું હોવાનું અધિકારીઓ માને છે. આ વ્યૂહરચના કોઈ સંયોગ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વધતી જતી આતંકી ગઠબંધનનો ભાગ છે.

5 ફેબ્રુઆરીએ ફિલિસ્તીની આતંકી સંગઠન હમાસે પ્રથમ વખત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં જૈશ અને લશ્કર-એ-તૈયબા ના આતંકીઓ સાથે સ્ટેજ શેર કર્યો હતો. આ બેઠકમાં હમાસના નેતા ડૉ. ખાલિદ કદ્દૌમી અને ડૉ. નાજી ઝહીર હાજર હતા. આ બેઠક એ સાબિત કરે છે કે આતંકી સંગઠનો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નેટવર્ક ઉભું કરી રહ્યા છે.

તપાસમાં મળેલી માહિતી મુજબ મૌલવી ઇરફાન યુવાનોને પોતાની જિહાદી ફોજમાં જોડવા માટે ત્રણ પ્રકારની પરીક્ષા લેવડાવતો હતો. તેની ભૂમિકા ‘ટેલેન્ટ હંટર’ જેવી હતી, જે આતંકી વિચારધારામાં ફસાતા યુવાનોએ માર્ગદર્શન આપતો હતો. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ સામે આવ્યા બાદ અલ-ફલાહ યુનિવર્સિટીના મોટાભાગના ડોક્ટર અને સ્ટાફના મોટા ભાગના લોકો અચાનક ગાયબ થઈ ગયા છે. તપાસ એજન્સીઓ હવે સ્ટાફ અને ડોક્ટરોના લૉકરની તપાસ કરી રહી છે, જેથી જાણવા મળે કે કોઈ પુરાવા છુપાવીને તો ભાગી નથી ગયા.

સત્તાવારના જણાવ્યા અનુસાર, ઘણા લૉકરમાંથી મોબાઇલ ફોન, ટેબ, અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી આવ્યા છે. હવે સાઇબર સેલ દ્વારા તેમની ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ થઈ છે,  જેથી તેમના સંપર્કો અને નેટવર્ક વિશે વધુ જાણકારી મળી શકે. સંદિગ્ધ વિસ્ફોટક સામગ્રીની તપાસમાં જાણવા મળ્યું છે કે અમોનિયમ નાઈટ્રેટ અને અન્ય રસાયણો ફરીદાબાદ, નુહ અને આસપાસના વિસ્તારોમાંથી મેળવવામાં આવ્યા હતા. પોલીસ હવે ખાતરની દુકાનો અને કેમિકલ સપ્લાયરોની પણ પૂછપરછ કરી રહી છે.

Exit mobile version