
દિલ્હી: રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પ્રતિસાદ આપતા રાજકારણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ ક્ષેત્રના લોકોએ રવિવારે એક કલાકના શ્રમદાનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ અભિયાન હેઠળ દેશભરમાં 9.20 લાખથી વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના છેલ્લા એપિસોડમાં મોદીએ તમામ નાગરિકોને 1 ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન’ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ આ ‘સ્વચ્છાજલિ’ હશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના ઝંડેવાલન વિસ્તારમાં આ અભિયાનમાં ભાગ લીધો હતો.શ્રમદાનમાં ભાગ લેતા કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે પત્રકારોને કહ્યું, “અમે (કેન્દ્ર) દેશને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે એક મોટો પડકાર છે, પરંતુ અમે તે કરીશું.” સમગ્ર દેશમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ ઝાડુ લઈને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. બીજેપી સાંસદ દિનેશ શર્માએ પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો અને કહ્યું કે ‘સ્વચ્છતા’ દેશનો ચહેરો બની ગઈ છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ નવી દિલ્હીમાં સ્વચ્છતા પ્રવૃત્તિ માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે તેણે રાષ્ટ્રીય રાજધાનીમાં 500 સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.