Site icon Revoi.in

ચાંદીના ભાવ 4 લાખને વટાવી ગયા, સોનાના ભાવમાં પણ 16000નો ઉછાળો

Social Share

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  સોનું કે ચાંદી ખરીદવું મધ્યમ વર્ગ માટે હવે સ્વપ્ન બની ગયુ છે. રોજબરોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે વહેલી સવારે MCX (મલ્ટી કમોડિટી એક્સચેન્જ) પર માર્ચના વાયદાની ચાંદી 4 લાખ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. સવારે 9.50 વાગ્યે 404139.00ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો હતો.  જ્યારે એપ્રિલના વાયદાનું સોનું 2 લાખના ભાવની નજીક આવી ગયું છે. સવારે 9.50 વાગ્યે સોનું 1,93,096ની કિંમતે ટ્રેડ થઈ રહ્યું છે.

સોના-ચાંદીના ભાવ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ગઈકાલે સોનાના ભાવ જે અમદાવાદમાં 1,69,350 રૂપિયા પર હતા, તે આજે 1,79,500 રૂપિયાની કિંમતે પહોંચી ગયા છે. જ્યારે ચાંદીના ભાવ એક જ દિવસમાં 3,72,500 રૂપિયાથી છલાંગ લગાવીને આજે 29 જાન્યુઆરી, 2026ના રોજ 3,96,500 રૂપિયાના સ્તર પર આવી ગયા છે. એક બાજુ શેરબજારમાં ઘટાડો અટકી રહ્યો નથી અને બીજી તરફ, સોના-ચાંદીમાં તોફાની તેજી ચાલુ છે. અત્યાર સુધી સોનું માત્ર 3 હજારથી 5,000 રૂપિયા વધી રહ્યું હતું, પરંતુ આજે સોનાએ રેકોર્ડ તેજી બતાવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું આશરે 16,000 રૂપિયા વધી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 20 હજાર રૂપિયાની તેજી આવી છે અને તેણે 4 લાખ રૂપિયાનું સ્તર પાર કરી લીધું છે. પહેલીવાર ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર પહોંચી છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર 21 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 3.18 લાખ રૂપિયા પર હતો, જે હવે 88 હજાર રૂપિયા વધીને 4.05 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે સોનું 21 જાન્યુઆરીએ 1.60 લાખ રૂપિયા પર હતું, જે હવે 33 હજાર રૂપિયા વધીને 1.93 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે

Exit mobile version