Site icon Revoi.in

સિંગતેલના ભાવમાં ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ ઘટીને 2300 થયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગના લોકોને રાહત થઈ છે. આમ તો સીઝનમાં સિંગતેલના ભાવ ઘટતા હોય છે. પણ આ વખતે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે. જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળીયે જોવા મળી રહ્યો છે. એક સમયે 3200 રૂપિયાથી વધુની કિંમતે વેચાતો 15 કિલો સિંગતેલનો ડબ્બો આજે 2300થી 2370 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મગફળીનું વાવેતર વધી રહ્યું છે. એટલે મગફળીનું ઉત્પાદન વધતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજ્ય સરકારે પણ ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો વેચતા તેની અસર સિંગતેલના ભાવ પર પડી છે. અને સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો નોંધાયો છે. જોકે, દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં 250થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકારે નાફેડની મગફળી વેચવા કાઢતા બજારમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સિંગતેલની ડિમાન્ડ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રહેતી હોય છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં 50 લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેનાથી સિંગતેલના ભાવમાં સિધી અસર જોવા મળી રહી છે. 15 કિલો સિંગતેલનો ડબ્બાનો ભાવ આજે 2300 રૂપિયા પહોંચી ગયો છે. સિંગતેલના ભાવ ઘટાડા પાછળનું કારણ જોઇએ તો સિંગતેલનું એક્સપોર્ટ અત્યારે ઘટી ગયું છે. સિંગતેલનો પૂરતો સ્ટોક બજારમાં ઉપલબ્ધ છે. મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકાર દ્વારા નાફેડ હસ્તકની મગફળી વેચવામાં આવી રહી છે અને ખેડૂતોએ પણ સંગ્રહ કરેલી મગફળી બજારમાં ઉપલબ્ધ થતા હવે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક-બે વર્ષથી સિંગતેલનો હાઈએસ્ટ ભાવ 3200 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જે આજે 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે.