સિંગર બી પ્રાકને મારી નાખવાની ધમકી મળી: ખંડણીની માંગણી
મુંબઈ, 17 જાન્યુઆરી 2026 : શનિવાર મનોરંજન જગતમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પંજાબી ગાયક બી પ્રાકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ગાયક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે અને ચીમકી આપી છે કે જો એક અઠવાડિયામાં પૈસા નહીં મળે તો તેમને ‘ધૂળમાં મેળવી’ દેવામાં આવશે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ધમકી સીધી બી પ્રાકને બદલે તેમના મિત્ર અને પંજાબી સિંગર દિલનૂર બબલૂ મારફતે આપવામાં આવી છે. મોહાલીના સેક્ટર 99માં રહેતા દિલનૂર બબલૂએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને 5 જાન્યુઆરીએ વિદેશી નંબર પરથી મિસ્ડ કોલ આવ્યા હતા. ત્યારબાદ 6 જાન્યુઆરીએ એક વોઈસ મેસેજ મળ્યો હતો, જેમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ‘આરઝુ બિશ્નોઈ’ તરીકે આપી હતી.
વોઈસ મેસેજમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, “બી પ્રાક 10 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે, તેની પાસે એક અઠવાડિયાનો સમય છે. જો તે અમારી સાથે નહીં ચાલે તો ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણે કે દેશમાં જતો રહે, અમે તેને અને તેના સાથીઓને ધૂળમાં મેળવી દઈશું.” આ ધમકી બાદ સિંગર અને તેનો પરિવાર ભયના ઓથાર હેઠળ છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણીની શંકા
ધમકી આપનાર આરઝુ બિશ્નોઈ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય હોવાનું મનાય છે, જે હાલ વિદેશમાં છુપાયેલો છે. દિલનૂરે પોલીસને કોલ રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટ સોંપીને સુરક્ષાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે શૂટિંગ અને લાઈવ શો માટે તેમને વારંવાર બહાર જવું પડે છે, જેના કારણે જીવનું જોખમ વધી ગયું છે.
મોહાલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તપાસ શરૂ કરી છે. અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અનેક સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવવામાં આવ્યા છે, ત્યારે આ કેસમાં પણ આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ અમારી દીકરીઓ ઉપર હુમલો તો જીવનનો અંતઃ હર્ષ સંઘવી


