Site icon Revoi.in

અમેરિકાની સામે પડ્યો નાનકડો દેશ, ગેરકાયદેસર પ્રવાસીઓના 2 મિલેટ્રી પ્લેન મોકલ્યા પરત

Social Share

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો છે પરંતુ આ પગલું કેમ લેવાયું? ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં પરત મોકલી દીધા. જેના બાદ ટ્રમ્પ સરકારે કોલંબિયા સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદીને કાર્યવાહી કરી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોના આ નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે. 

ટ્રમ્પે અમેરિકન બજારોમાં કોલમ્બિયન ઉત્પાદનો પર 25 ટકાનો ઇમરજન્સી ટેરિફ લાગુ કર્યો છે, જે એક અઠવાડિયામાં વધીને 50 ટકા થઈ શકે છે. આ ઉપરાંત, કોલંબિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.ટ્રમ્પે કહ્યું કે આ તો ફક્ત શરૂઆત છે. અમે કોલંબિયા સરકારને મનસ્વી રીતે કામ કરવા દઈશું નહીં. સરકારે અમેરિકા મોકલેલા ગુનેગારોને પાછા લેવા પડશે.

ઉલ્લેખનીય છે કે કોલંબિયા સરકારે ગેરકાયદે પ્રવાસીઓથી ખીચોખીચ અમેરિકન યુએસ આર્મીના વિમાનને ઉતરવાની મંજૂરી આપી ન હતી. રાષ્ટ્રપતિ પેટ્રોએ કહ્યું કે ટ્રમ્પનું વર્તન યોગ્ય નથી. અમેરિકા અપ્રવાસીઓ સાથે ગુનેગારો જેવું વર્તન ન કરી શકે. અપ્રવાસીઓને ફક્ત સિવિલ વિમાનમાં જ કોલંબિયા આવવાની મંજૂરી આપવામાં આવશે. અપ્રવાસીઓ સાથે આદર અને ગૌરવ સાથે વર્તન કરવામાં આવે.