1. Home
  2. ગુજરાતી
  3. સ્માર્ટફોનનો અતિરેક નોતરે છે ફૂડ એડિક્શન, યુવાનોમાં ખાનપાનની ગંભીર બીમારીઓ વધી
સ્માર્ટફોનનો અતિરેક નોતરે છે ફૂડ એડિક્શન, યુવાનોમાં ખાનપાનની ગંભીર બીમારીઓ વધી

સ્માર્ટફોનનો અતિરેક નોતરે છે ફૂડ એડિક્શન, યુવાનોમાં ખાનપાનની ગંભીર બીમારીઓ વધી

0
Social Share

એક સમયે માત્ર વાતચીત માટે વપરાતો મોબાઈલ ફોન આજે જીવનનું અનિવાર્ય અંગ બની ગયો છે, પરંતુ તેની લત હવે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી વગાડી રહી છે. તાજેતરના એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, સ્માર્ટફોન પર કલાકો વિતાવતા લોકોમાં ‘ફૂડ એડિક્શન’ (ખાવાની લત) અને ખાનપાનને લગતી ગંભીર વિકૃતિઓ જોવા મળી રહી છે. ફોનનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિની પોતાની જાતને જોવાની રીત અને ખોરાક લેવાની પદ્ધતિ પર નકારાત્મક અસર કરી રહ્યો છે.

‘જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચ’માં પ્રકાશિત થયેલા એક વ્યાપક અભ્યાસમાં સ્માર્ટફોનનો અયોગ્ય ઉપયોગ અને ખાવાની સમસ્યાઓ વચ્ચે સીધો સંબંધ હોવાનું સાબિત થયું છે. પબમેડ અને એમ્બેઝ જેવા પ્રતિષ્ઠિત ડેટાબેઝનો ઉપયોગ કરીને અંદાજે 52 હજાર યુવાનો પર કરવામાં આવેલા આ સંશોધનમાં જણાયું છે કે, જે લોકો સ્માર્ટફોન પાછળ વધુ સમય બગાડે છે, તેઓમાં પોતાના શરીર પ્રત્યે અસંતોષ અને માનસિક અસ્થિરતાનું પ્રમાણ વધુ હોય છે.

સતત સોશિયલ મીડિયા અને અન્ય એપ્સના સંપર્કમાં રહેવાથી યુવાનો પોતાના શરીર વિશે નકારાત્મક અનુભવે છે, જેની અસર ડાયેટ પર પડે છે. ડિજિટલ દુનિયામાં વ્યસ્ત રહેતા લોકો ઘણીવાર લાગણીશીલ બનીને વધુ પડતું ખાવા લાગે છે અથવા ખાવાનું ટાળે છે. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી મગજમાં થતા ફેરફારો ખાવાની લત તરફ દોરી જાય છે.

સંશોધકોના મતે, આ સમસ્યા પાછળ ‘લાગણીઓનો સંઘર્ષ’ મુખ્ય ભૂમિકા ભજવે છે. મોબાઈલના અતિરેકને કારણે યુવાનોમાં સતત તંગદિલી, ઉખડેલો મૂડ અને લાગણીઓ પર કાબૂ ન રહેવાની સમસ્યાઓ જોવા મળે છે. આ માનસિક સ્થિતિની સીધી અસર દૈનિક ભોજન પર થાય છે, જેના પરિણામે ખાનપાનની પદ્ધતિ અવ્યવસ્થિત બની જાય છે.

આ સમસ્યા માત્ર કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિવિધ દેશો અને તમામ વયજૂથના લોકોમાં સ્માર્ટફોનનો અયોગ્ય ઉપયોગ સમાન પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી રહ્યો છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જો તમે પણ કલાકો સુધી સ્માર્ટફોનમાં ખોવાયેલા રહો છો, તો સમયસર ચેતી જવાની જરૂર છે, અન્યથા તે ગંભીર શારીરિક બીમારીઓનું કારણ બની શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code